નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ને લઈ દિલ્હીના ઉત્તર પૂર્વ ક્ષેત્ર (North East Delhi)માં ફેલાયેલી હિંસા પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ તેના ઘા હજુ ભરાયા નથી. દિલ્હીની અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર માટે પહોંચેલા લોકોની હાલત જોઈ હિંસાની ભયાનક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. દિલ્હી હિંસામાં 19 વર્ષના વિવેકના માથામાં તોફાની તત્વોએ ડ્રિલ કરનારા મશીનના આર્મેચરથી હુમલો કરી દીધો હતો. તેને ચમત્કારી જ કહી શકાય કે આર્મેચરનો અણીદાર ભાગ વિવેકના માથામાં ઘૂસ્યો હોવા છતાંય વિવેકનો જીવ બચી ગયો.
વિવેકને તાત્કાલીક જીટીબી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં ન્યૂરોસર્જરીની ટીમે તરત ઑપરેશન કર્યું અને આર્મેચરને માથામાંથી બહાર કાઢ્યું. વિવેકની સ્થિતિ હવે ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. સર્જરી બાદ વિવેશ ભાનમાં આવી ચૂક્યો છે પરંતુ હજુ કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.
વિવેકને હૉસ્પિટલ લઈને પહોંચેલા તેના દોસ્ત પારસે જણાવ્યું કે, જૌહરીપુરના રહેવાસી વિવેક મંગળવારે શિવ વિહારથી પસાર થઈ રહ્યો હતો. અચાનક તેને ભીડે ઘેરી લીધો. ત્યારબાદ ભીડે વિવેકને તેનું નામ પૂછ્યું અને આઈડી બતાવવા માટે કહ્યું. હજુ ભીડ સાથે ચર્ચા ચાલી રહી હતી કે પાછળથી કોઈએ આર્મેચર તેના માથામાં મારી દીધું. પારસે જણાવ્યું કે આર્મેચરનો અણીદાર હિસ્સો વિવેકના માથાની અંદર દોઢ ઈંચ સુધી ઘૂસી ગયો. માથામાં આર્મેચર ઘૂસ્યું હોવા છતાંય વિવેક ભાનમાં જ હતો.
જીટીબી હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુનીલ કુમારે જણાવ્યું કે વિવેકને જ્યારે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તો તે સમયે તેની સ્થિતિ ઘણી ગંભીર હતી. સારી વાત એ રહી કે સર્જરી બાદ પણ વિવેકના મગજની અંદર કોઈ ખાસ નુકસાન નહોતું થયું. સર્જરી સફળ રહી છે અને વિવેક હવે ખતરાથી બહાર છે.
આ પણ વાંચો, દિલ્હી હિંસા : મહિલા પત્રકારની આપવીતી - 'હથિયારોથી સજ્જ તોફાનીઓ ધમકી આપી, રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો'