નવી દિલ્હી : ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં હિંસામાં માર્યા ગયેલા આઈબી (IB)ના કર્મચારી અંકિત શર્મા (Ankit Sharma)નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંકિત શર્માના શરીર પર ચાકૂના નિશાન મળ્યા છે. અંકિત શર્માના પેટ અને છાતી પર ધારદાર હથિયારથી અનેક ઘા મારવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે.
અંકિત શર્માની હત્યાનો આરોપ આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર તાહિર હુસૈન (Tahir Hussain) પર લગાવવામાં આવ્યો છે. ગુરુવારે તેમની વિરુદ્ધ હત્યા, આગચંપી અને હિંસા ફેલાવવાનો મામલા નોંધવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે તાહિર હુસૈન ના ચાંદબાગમાં આવેલા ઘર અને ખજૂર ખાસ સ્થિત ફેક્ટરીને સીલ કરી દીધી છે.
સોમવારે અંકિત શર્માની મળી હતી લાશ
પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટોરો મુજબ, અંકિત શર્માના શરીર પર અનેક ઊંડા ઘા હતા. નોંધનીય છે કે સોમવારે હિંસાગ્રસ્ત ચાંદબાથ વિસ્તારથી ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી અંકિત શર્માની લાશ મળી આવી હતી. સૂત્રો અનુસાર, ઇન્ટેલિજન્સ વિભાગમાં ડ્રાઇવર તરીકે અંકિત શર્મા કામ કરતા હતા. મૃતક ચાંદબાગ વિસ્તારમાં જ રહેતા હતા. અંકિતે વર્ષ 2017માં આઈબીમાં નોકરી શરૂ કરી હતી.
AAPના કાઉન્સિલર તાહિર હુસૈનની મુશ્કેલી વધી
નોંધનીય છે કે, દિલ્હી પોલીસ દ્વારા તાહિર હુસૈનની વિરુદ્ધ લેવામાં આવેલા એક્શન બાદ આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે પણ દોષી હોય તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
તાહિર હુસૈને આરોપો નકાર્યા
બીજી તરફ, આ મામલામાં તાહિર હુસૈને ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો પોલીસ મારી ધરપકડ કરવા માટે આવે છે તો તેમને સહયોગ કરીશું. સાથોસાથ તાહિરે એમ પણ કહ્યું કે મારા જીવને જોખમ છે. બીજી તરફ હવે દિલ્હી હિંસાની તપાસ સ્પેશન ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (SIT) કરશે. તેના માટે દિલહી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ બે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીની એક ટીમની આગેવાની ડીસીપી જૉય ટિર્કી કરશે જ્યારે બીજી ટીમની આગેવાની ડીસીપી રાજેશ દેવ કરશે.
આ પણ વાંચો,
દિલ્હી હિંસા : દોઢ ઈંચ માથામાં ઘૂસ્યું હતું આર્મેચર, જાતે હૉસ્પિટલ પહોંચી કહ્યું- 'આને બહાર કાઢો'
દિલ્હી હિંસા : મહિલા પત્રકારની આપવીતી - 'હથિયારોથી સજ્જ તોફાનીઓ ધમકી આપી, રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો'