લંડન. શું તમે ક્યારેય બસ દ્વારા વિદેશ પ્રવાસ કરવા માંગો છો? જો તમારી હા હોય તો કહી દઈએ કે જલ્દી જ તમારું આ સપનું પૂરું થઈ શકે છે. વાત એમ છે કે, ભારત-મ્યાનમાર બોર્ડર ઉપર આવજાવ સામાન્ય થવાની સાથે દિલ્હીથી લંડન (Delhi to London Bus Service) બસ સેવા શરૂ થઈ શકે છે. આ વર્ષે જ સપ્ટેમ્બરમાં અત્યાધુનિક સુવિધાઓ યુક્ત લક્ઝરી બસો દિલ્હીથી લંડન જવા રવાના થશે.
એકવાર રૂટ ફાઇનલ થયા બાદ એડવેન્ચર્સ ઓવરલેન્ડ તરફથી ‘બસ ટુ લંડન' (Bus to London) પહેલ હેઠળ આ બસમાં મુસાફરી કરવા ઇચ્છુક લોકો 70 દિવસમાં લગભગ 20 હજાર કિલોમીટરનું અંતર કાપીને 18 દેશોની મુસાફરી કરી શકશે. આ માટે તમારે 20 હજાર ડોલર એટલે કે લગભગ 15 લાખ રૂપિયાનું પેકેજ લેવું પડશે. આ પેકેજમાં ટિકિટ, વિઝા અને અલગ-અલગ દેશોમાં સ્ટે જેવી તમામ સેવાઓનો સમાવેશ થાય છે.
આ સાથે જ 46 વર્ષ પછી એવું બીજી વખત હશે જ્યારે લોકોને દિલ્હીથી લંડન બસ સેવાનો આનંદ માણવાનો મોકો મળશે. એકચ્યુલી એક બ્રિટિશ કંપનીએ 1957માં વાયા દિલ્હી લંડન-કોલકાતા વચ્ચે બસ સેવા શરૂ કરી હતી. બસ ચાલી રહી હતી, પણ થોડા વર્ષો પછી તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. પછી એક બ્રિટિશ યાત્રીએ ડબલ ડેકર બસ બનાવીને ફરી સિડની-ભારત-લંડન વચ્ચે બસ સેવા શરૂ કરી. આ 1976 સુધી ચાલુ રહી. ત્યારે ઈરાનની આંતરિક સ્થિતિ અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને જોતા બસ સેવા બંધ કરવામાં આવી હતી.
હવે ફરી ભારતની એક ખાનગી કંપનીએ આ દિશામાં કામ શરૂ કર્યું છે. જે કારણોસર જૂની બસ સેવા બંધ કરવામાં આવી હતી તે તમામ કારણોથી બચવા બસના જૂના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બદલે હવે તેને મ્યાનમાર, થાઈલેન્ડ, ચીન, કિર્ગિસ્તાન થઈને ફ્રાન્સ લઈ જવામાં આવશે. આ સાથે ઈંગ્લિશ ચેનલ પાર કરવા માટે ક્રુઝનો પણ ઉપયોગ કરવામાં આવશે.
દિલ્હીથી વાયા કોલકાતા બસ મ્યાનમાર પહોંચશે. આ પછી તે થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ પછી લંડન પહોંચશે.
ફ્રાન્સ અને લંડન વચ્ચેની ફેરી સર્વિસના માધ્યમથી બસને ફ્રાન્સના કેલેથી યુકેના ડોવર સુધી લઈ જવામાં આવશે અને તેને પાર કરવામાં લગભગ બે કલાકનો સમય લાગશે. આ પછી બસના મુસાફરો લંડન જવા રવાના થશે.
બસમાં હશે 20 સીટ અને કેબિન
જૂની બસની જેમ નવી બસમાં પણ 20 સીટ હશે અને દરેક પેસેન્જર માટે અલગ કેબિન હશે. તેમાં ખાવા-પીવાથી લઈને સૂવાની પણ સુવિધાઓ હશે. આ બસમાં મુસાફરી કરવા માટે તમે વિઝા સહિત તમામ જરૂરી દસ્તાવેજો સાથે મુસાફરી કરી શકો છો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર