દિલ્હીની વર્તમાન આમ આદમી પાર્ટી સરકારના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં હાઈકોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. ઓફિસ ઓફ પ્રોફિટના કેસમાં આપના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ પાસે તેમના આ નિર્ણય અંગે તમામ પાસાઓને સાંકળીને એક એફિડેવિટ કરવાનું કહ્યું છે. કોર્ટે આ કેસમાં હવે પછીની સુનાવણી માટે 7મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.
નોંધનીય છે કે સંસદીય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચે લાભના પદ પર હોવાથી દોષી જાહેર કરીને તેમને પદભ્રષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિને અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ તેમની અરજી પર મંજૂરીની મહોર મારી દીધી હતી.
આ કેસમાં આપના ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમને ગેરલાયક ઠેરવવાના નોટિફિકેશનને રદ કરવાની માંગણી કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં ગત સુનાવણી દરમિયાન આ કેસને ડિવીઝનલ બેંચને ટ્રાન્સફર કર્યો હતો. સાથે જ ચૂંટણી પંચને પણ આદેશ કર્યો હતો કે તે દિલ્હીમાં પેટા ચૂંટણી માટે તારીખને કોઈ જાહેરાત ન કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર