દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ, આગની જ્વાળાઓ કોચની બારીઓમાંથી બહાર નીકળી
કોઈ મુસાફરને ઈજા નહીં.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે (Uttarakhand DGP Ashok Kumar) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શતાબ્દી એક્સપ્રેસના જે ડબ્બામાં આગ લાગી હતી તેમાંથી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
દેહરાદૂન: દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ (Delhi Dehradun Shatabdi Express)માં આજે અચાનક આગ લાગી ગઈ હતી. શૉર્ટ સર્કિટને કારણે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના સી-5 ડબ્બામાં આગ લાગી ગઈ હતી. જોકે, દુર્ઘટનામાં કોઈ પણ મુસાફર (Passengers)ને નુકસાન થયાની માહિતી સામે આવી નથી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે (Uttarakhand DGP Ashok Kumar) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શતાબ્દી એક્સપ્રેસના જે ડબ્બામાં આગ લાગી હતી તેમાંથી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. કોઈ પણ મુસાફર ઘાયલ થયો હોય તેવા સમાચાર નથી. જે કોચમાં આગ લાગી હતી તેને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો. જે બાદમાં ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી 02017 અપ શતાબ્દી એક્સપ્રેસના ટ્રેનમાં હરિદ્વાર નજીક કંસરો સ્ટેશન પાસે આગ લાગી ગઈ હતી. આગે થોડી જ વારમાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટ્રેનના સી-5 કોચની બારીઓમાંથી આગની જ્વાળાઓ કોચથી ઊંચી બહાર નીકળી રહી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બપોરે 12 વાગ્યે રાઈવાલા અને કંસરો રેલખંડ વચ્ચે બની હતી. દુર્ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી.
ટ્રેનમાં આગ લાગવાના સમાચાર મળતા જ તાત્કાલિક રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને સૂચના આપી દેવામાં આવી હતી. ફાયરના કર્મચારીઓએ ખૂબ મથામણ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રેલવેના જણાવ્યા પ્રમાણે જે ડબ્બામાં આગ લાગી હતી તેને અલગ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
બીજી તરફ ટ્રેનના ગાર્ડે જાણકારી આપી હતી કે સી-5 કોચના તમામ મુસાફરો સુરક્ષિત છે. આગ લાગ્યા બાદ એ ડબ્બામાં રહેલા મુસાફરોને બીજા ડબ્બામાં ખસેડી દેવામાં આવ્યા હતા. આ કોચમાં કુલ 35 મુસાફર સવાર હતા. કોઈને પણ નુકસાનના સમાચાર નથી. તમામ મુસાફરી માટે બીજા કોચમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર