'અમે જ સુરક્ષિત નથી તો બીજાનું રક્ષણ કેવી રીતે કરીશું,' વકીલોના વિરોધમાં દિલ્હી પોલીસ રસ્તા પર ઉતરી

'અમે જ સુરક્ષિત નથી તો બીજાનું રક્ષણ કેવી રીતે કરીશું,' વકીલોના વિરોધમાં દિલ્હી પોલીસ રસ્તા પર ઉતરી
દિલ્હી પોલીસનું વિરોધ પ્રદર્શન

દિલ્હી પોલીસના જવાનોએ પોલીસ હેડક્વાર્ટર બહાર હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો. પોલીસ જવાનોએ દોષિત વકીલો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી.

 • Share this:
  નવી દિલ્હી : દિલ્હીની તીસ હજારી કોર્ટ બહાર પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણનો વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણ પછી દિલ્હી પોલીસના જવાનો વિરોધ માટે રસ્તા પર ઉતરી ગયા છે. ઇન્સ્પેક્ટરથી લઈને કોન્સ્ટેબલ સુધીના પોલીસકર્મીઓએ મંગળવારે સવારે પોલીસ હેડક્વાર્ટર બહાર વિરોધ કર્યો હતો. પોલીસકર્મીઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ બેનરોમાં 'સેવ પોલીસ' અને 'અમે પણ માણસ છીએ'ના લખાણો લખેલા હતા.

  પોલીસ જવાનો વકીલો સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. પોલીસ જવાનોએ જણાવ્યું હતું કે, વકીલોના ઉદ્ધત વર્તન સામે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું. અમે અમારી વાત પોલીસ કમિશનર સમક્ષ રાખીશું.  આ વિરોધ પ્રદર્શનમાં સામેલ એક મહિલા કૉન્સ્ટેબલે કહ્યુ કે, "લોકોને અંદાજ નથી કે અમે દરરોજ કેવી કેવી મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ. જો અમે પોતાનું જ રક્ષણ નથી કરી શકતા તો બીજા લોકોનું રક્ષણ કેવી રીતે કરીશું? અમે પણ માણસ છીએ, અમને પણ સન્માનથી જીવવાનો અધિકાર છે."

  પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં વકીલોએ પોલીસ જવાન સાથે કરેલી મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ સોમવાર રાતથી જ વૉટ્સઍપના બે અલગ અલગ ગ્રુપમાં મંગળવારે પોલીસ પ્રદર્શન કરશે તેવો સંદેશ વાયરલ થઈ રહ્યો છે. આ સંદેશમાં તમામ પોલીસકર્મીઓને આઈટીઓ સ્થિત પોલીસ હેડક્વાર્ટર પહોંચવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના નિવૃત્ત જવાનો અને નિવૃત ઓફિસરોને પણ આવી અપીલ કરવામાં આવી છે. જે ગ્રુપમાં આ સંદેશ ફરી રહ્યો છે તેને દિલ્હી પોલીસના નિવૃત જવાનો ચલાવી રહ્યા છે.

  આ સંદેશને પગલે સવારે સાડા આઠ વાગ્યે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો એકઠા થવા લાગ્યા હતા. અમુક લોકો પોલીસ વર્દીમાં પહોંચ્યા હતા તો અમુક લોકો સાદા કપડાંમાં પહોંચ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે અમુક લોકોએ તેમના હાથમાં પીળી પટ્ટી પણ બાંધી રાખી હતી. આ દેખાવમાં મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ છે.

  નોંધનીય છે કે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પાર્કિંગ અંગે પોલીસવાળાઓ અને વકીલો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગના બનાવો પણ બન્યા હતા. આરોપ છે કે વકીલોએ કોર્ટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પોલીસને અંદર જતા રોકવામાં આવી હતી. આ અથડામણમાં 10 પોલીસકર્મી અને અનેક વકીલો ઘાયલ થયા હતા.
  Published by:News18 Gujarati
  First published:November 05, 2019, 12:17 pm

  ટૉપ ન્યૂઝ