કોલંબો : શ્રીલંકાની પોલીસે શ્રેણીબદ્ધ વિસ્ફોટોનું કવરેજ કરી રહેલા એક ભારતીય ફોટો જર્નાલિસ્ટની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે ફોટો જર્નાલિસ્ટે નેગોમ્બો શહેરમાં એક સ્કૂલમાં બળજરબીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ધરપકડ કરવામાં આવેલો ફોટો જર્નાલિસ્ટ સિદ્દીકી અહમદ ડેનિસ નવી દિલ્હી ખાતે ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરે છે, સિદ્દીકીએ જ્યારે સ્કૂલમાં પ્રવેશનો પ્રયાસ કર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ ઘટનાઓનું રિપોર્ટિંગ કરવા માટે સિદ્દીકી શ્રીલંકા ગયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે ગેરકાયદે પ્રવેશના ગુનામાં સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નેગોમ્બો મેજિસ્ટ્રેટે 15મી મે સુધીના તેના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે પત્રકારે એક સ્કૂલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પત્રકાર અહીં ચર્ચમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની માહિતી મેળવવા માટે ગયો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં ઇસ્ટર પર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 250 લોકોનાં મોત થયા છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે 500થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાની જવાબદારી ISISએ લીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર