નવી દિલ્હી : દિલ્હીના (Delhi)ગોવિંદપુરી વિસ્તારમાં 6 જુલાઈની રાત્રે ડીટીસી બસ ડ્રાઇવરની ગોળી મારીને હત્યા (Murder)કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મૃતકની બે પત્નીઓ સહિત પુત્રીની હત્યાનું ષડયંત્ર (Murder case)રચવાના આરોપસર ધરપકડ કરી છે. હત્યા બાદ બંને પત્નીઓ પોતાની વચ્ચે સંપત્તિનો ભાગ પાડવા માંગતી હતી. નઝમાથી ગીતા બનેલી બીજી પત્નીએ હત્યા માટે પોતાના પિતરાઈ ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા. આ કેસમાં દક્ષિણપુરીમાં રહેતી પ્રથમ પત્ની ગીતા (ઉંવ. 42), કોમલ (ઉંવ. 21) અને ગોવિંદપુરીની ગીતા દેવી ઉર્ફે નઝમા (ઉંવ 28) તરીકે થઈ છે. કોમલ સંજીવની પહેલી પત્ની ગીતાની પુત્રી છે.
શું હતો ઘટનાક્રમ?
ડીસીપી સાઉથ ઈસ્ટ ઈશા પાંડેએ જણાવ્યું હતું કે, 6-7 જુલાઈની રાત્રે પોલીસને ગોવિંદપુરીના સંજીવ નામના વ્યક્તિને માજીડિયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી. સંજીવને તેની પત્ની ગીતા ઉર્ફે નઝમાએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ ઘટના બાબતે પરિવારજનોએ અકસ્માત થયો હોવાનો દાવો કર્યો હતો.
પોલીસને આપેલા નિવેદનમાં નઝમાએ જણાવ્યું હતું કે, તે પતિ અને પુત્રી સાથે શાકભાજી લઈ બાઇક પર ઘરે જઇ રહી હતી. આ દરમિયાન તેનો પતિ બાઇક પરથી નીચે પડી ગયો હતો. પતિને ગોળી વાગી હોવાનો તેને ખ્યાલ ન હતો.
જેને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આર્મ્સ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી અને એસએચઓ જગદીશ યાદવની આગેવાનીમાં ટીમ બનાવવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદી ગીતા ઉર્ફે નઝમા પોલીસને ગેરમાર્ગે દોરતી હોવાનું સામે આવ્યું હતું.
પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પતિ સંજીવને કાલકાજી ડેપોના ડીટીસી કર્મચારીઓ દ્વારા ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. મૃતક ડીટીસીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને કાલકાજી ડેપોના ડીટીસી કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે તપાસ દરમિયાન ગીતાની વાતોમાં કોઇ તથ્ય હોવાનું સામે આવ્યું ન હતું.
પોલીસે મૃતકની પત્ની ગીતા ઉર્ફે નઝમા પર હત્યાની શંકા થઈ હતી. ગીતાની ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેનો મોબાઇલ ફોન લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મોબાઇલ ફોન ચેક કર્યો તો ખબર પડી કે, તેણે નઇમ નામના વ્યક્તિને સંજીવની બાઇકનો ફોટો શેર કર્યો હતો. તેણે 5 જુલાઈએ ફોટો લીધો હતો અને તે જ દિવસે ફોટો ડિલિટ કરી દીધો હતો.
શંકાના આધારે ગીતા ઉર્ફે નઝમાની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે, તેના પતિએ બે લગ્ન કર્યા હતા. સંજીવના વર્તનથી રિસાયેલી તેની પહેલી પત્ની ગીતા દક્ષિણપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં તેની બે પુત્રીઓ સાથે રહે છે. પહેલી પત્ની ગીતાએ દીકરી કોમલના હાથે નઝમાને ફોન આપ્યો હતો. તે મોબાઇલથી બંને એકબીજા સાથે વાત કરતા હતા. નઝમા બાજુના ઘરમાં મોબાઈલ છુપાવતી હતી.
2-3 વર્ષ પહેલા ત્રણેયે મળીને રચ્યું હતું હત્યાનું ષડયંત્ર
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, પહેલી પત્ની ગીતા, પુત્રી કોમલ અને બીજી પત્ની નઝમાએ સંજીવ કુમારની હત્યાનું ષડયંત્ર ત્રણ વર્ષ પહેલા રચ્યું હતું અને તેની સંપત્તિને અંદરોઅંદર વહેંચવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ત્રણેયે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું
ગીતાએ નઝમાને જે મોબાઈલ ફોન આપ્યો હતો તે જ મોબાઈલ ફોન પર નઝમાએ તેના ફોઈના દીકરા ઈકબાલનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ઇકબાલે નજમાને શાર્પ શૂટર નઈમના સંપર્કમાં આવવા જણાવ્યું હતું. નઈમે હત્યા માટે 15 લાખનો સોદો નક્કી કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર