ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ હિંસા ફાટી નીકળી છે. જમ્મુના જૂના શહેરી વિસ્તારમાં કર્ફ્યૂ લદાયો હોવા છતાં દેખાવકારોએ પીછે હઠ કરી નથી. આ હિંસાના કારણે અત્યાર સુધીમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જમ્મુમાં કોમી હિંસાના ભયના પગલે લશ્કર તૈનાત કરી દેવાયું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આર્મીને તૈનાત કરાઈ છે.
ગૃહમંત્રી રાજનાથસિંહ શુક્રવારે બપોરે શ્રીનગર પહોંચ્યા હતા. રાજનાથસિંહે શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. રાજનાથ સિંહે શહીદોના પાર્થિવ દેહને કાંધ આપી અને તેમને શ્રીનગર એરપોર્ટથી રવાના કરાવ્યા હતા.
જમ્મુના નાયબ પોલિસ કમિશનર રમેશ કુમારે જણાવ્યું હતું કે અમે હિંસાને કાબુ લેવામાં અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કરફ્યૂ લાદી દીધો છે. અધિકારીના જણાવ્યા મુજબ, શહેર સંપૂર્ણપણે બંધ કરાવાયું છે અને રસ્તા પર સહેજ પર ટ્રાફિક નથી.
જમ્મુમાં પુલાવામાં હુમલાના પગેલ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા.
જમ્મુમાં ઠેર ઠેર દેખાવો
જમ્મુ શહેરમાં પુલવામાં હુમલાનો વિરોધ કરવા માટે ઠેર ઠેર પ્રદર્શનો થયા હતા. શહેરના જ્વેલ ચોક, પુરાની મંડી, રેહરાઈ, શક્તિનગર, પાક્કા દંગા, જાનીપુર, ગાંધીનગર અને બક્ષી નગર વિસ્તારોમાં હિંસક દેખાવો તેમજ આગચંપીની ઘટનાઓ ઘટી હતી.
હિંદુ સંગઠનોના દેખાવ
જમ્મુમાં શુક્રવારે વાહનોને આગચંપીની ઘટના બાદ હિંદુ સંગઠનોનએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓમાં મોટાભાગે યુવાનો હતા. ઘટનાના વિરોધના પગલે જમ્મુ ચેમ્બર્સ ઑફ કૉમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.