જયપુર : અપરાધની દુનિયાનો બેતાજ બાદશાહ બની બેઠેલા બદમાશ પપલાને સાત ગામની નહીં પરંતુ ત્રણ રાજ્યોની પોલીસ (Police)શોધી રહી હતી. વિક્રમ ગુર્જર, પપલા ગુજ્જર (papla gujjar), માનસિંહ અને ઉદય આ ચારેય નામો એક સમયે આતંકનો પર્યાય રહેલ ગેંગસ્ટરના (Gangster)છે. પિતાએ નામ વિક્રમ રાખ્યું પણ તે ત્રણ રાજ્યોની પોલીસ માટે બદમાશ પપલા બની ગયો અને ફરાર થઈ છુપાયેલો રહ્યો ત્યારે તે ગર્લફ્રેન્ડ જિયા માટે માન સિંહ બની ગયો હતો. પપલાની કહાની બીજા કોઈના પ્રેમ પ્રકરણથી શરૂ થાય છે અને કોલ્હાપુરમાં તેની ગર્લફ્રેન્ડના ફ્લેટ પર સમાપ્ત થાય છે.
રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં ખૌફનું બીજું નામ વિક્રમ ગુર્જર ઉર્ફે પપલા હતું. જોકે હવે તે અજમેર જેલના સળિયા પાછળ પોતાના ગુનાઓની સજા ભોગવી રહ્યો છે. તેનો આંતક ખૂબ જ હતો. લોકો ડરતા હતા. પપલાએ તેની વિરુદ્ધ સાક્ષી બનેલા દરેક વ્યક્તિની હત્યા કરી હતી.
પપલાની વાર્તા હરિયાણાના મહેન્દ્રગઢના ખરૌલી ગામથી શરૂ થાય છે. આ ગામના યુવાનોને આર્મીમાં જોડાવાનો ઘણો શોખ હતો. વિક્રમના પિતા પણ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આર્મીમાં જોડાય. પોતાના પિતાના સપનાને સાકાર કરવા માટે વિક્રમે શાળાનું ભણતર પૂર્ણ કર્યા બાદ આર્મીમાં જોડાવાની તૈયારી શરૂ કરી પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. આ દરમિયાન અચાનક તેને કુસ્તીનો શોખ જાગ્યો અને તેણે ગામમાં કુસ્તી શીખવતા શક્તિ સિંહ પાસેથી કુસ્તી શીખવાનું શરૂ કર્યું હતું.
કુસ્તી શીખતી વખતે તેના જીવનનો સૌથી ખતરનાક વળાંક આવ્યો હતો. વિક્રમ ગુર્જરે પ્રેમ પ્રકરણમાં સંદીપ ફૌજી નામના વ્યક્તિને માર માર્યો હતો. ખરેખર પરિણીત સંદીપને તેના ગામની એક યુવતી સાથે અફેર હતું. પંચાયતે સંદીપને યુવતીને મળવાની મનાઈ કરી હતી પરંતુ તે ન માનતા વિક્રમે તેના ગુરૂ શક્તિ સિંહ અને તેના સાથીઓ સાથે મળીને સંદીપ સાથે મારપીટ કરી હતી પરંતુ આ લડાઈના થોડા દિવસો બાદ તેના ગુરૂ શક્તિ સિંહની હત્યા થઈ ગઈ હતી.
પહેલા ગુનો અને પછી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
શક્તિ સિંહને પોતાના ગુરૂ માનતા વિક્રમને આ હત્યાથી ઊંડો આઘાત લાગ્યો અને તે ગુસ્સામાં ઉકળવા લાગ્યો હતો. થોડા સમય બાદ 2014માં સંદીપ ફૌજી, તેની માતા, મામા અને દાદાની હત્યા કરવામાં આવી અને વિક્રમ ઉર્ફે પપલા અને તેના સહયોગીઓ પર આ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે 2016માં ગેરકાયદે હથિયારો સાથે પણ પકડાયો હતો અને હત્યા માટે જેલમાં પણ ગયો હતો પરંતુ કોર્ટમાં હાજરી માટે લઈ જતી વખતે સપ્ટેમ્બર 2017માં તે પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગી ગયો હતો. આ કાંડ બાદ પપલા પર પાંચ લાખનું ઈનામ મુકાયું અને તે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર બની ગયો હતો.
જિમ ટ્રેનર જિયાને ગર્લફ્રેન્ડ બનાવી
બહેરોર પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચાવ્યા બાદ પપલા બે વર્ષથી ગુમ થઈ ગયો હતો. તે અન્ય રાજ્યોમાં ઘણી જગ્યાએ છુપાતો ફરતો રહ્યો. 13 ડિસેમ્બર 2020 ના રોજ, કોલ્હાપુરના માર્શલ આર્ટ્સ જીમમાં કસરત કરતી વખતે પપલા ગુર્જર જીમ ટ્રેનર જિયાને મળ્યો હતો. પપલા ગુર્જરે જીયાને પોતાનું નામ માનસિંહ ઉર્ફે ઉદય જણાવ્યું. જિયા તેની ટ્રેનર હતી અને ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. જીમમાં કસરત કરવાની સાથે બંનેએ કાયમ એકબીજા સાથે રહેવાનું પણ પ્લાન કર્યું હતું. જિયાએ માનસિંહ ઉર્ફે પપલાને પોતાના જીવનની દરેક ઘટના વિશે જણાવ્યુ હતુ.
પોલીસે કોલ્હાપુરમાંથી પપલા અને પ્રેમિકાને પકડ્યા
આ દરમિયાન જિયાના જીવનમાં 28 જાન્યુઆરી 2021ની એ કાળી રાત આવી હતી. પોલીસને ઈનપુટ મળ્યું કે, પપલા તેની ગર્લફ્રેન્ડ સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છે. પોલીસે રાત્રે દરોડો પાડીને જિયાની સાથે પપલાની ધરપકડ કરી હતી. પોલીસે તેના ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારે જિયાને પહેલીવાર ખબર પડી કે તે જેને 'માન' કહીને બોલાવતી હતી ,તે વાસ્તવમાં ફરાર ગુનેગાર છે. 4 ફેબ્રુઆરીએ કોર્ટે તેને જેલમાં મોકલી દીધો હતો. જિયા બે મહિના અને ચાર દિવસ જેલમાં રહી અને નિર્દોષ માનીને તેને છો઼ડી દેવામાં આવી હતી.
પપલા ગુર્જરની હત્યા માટે આજીવન કેદની સજા
રાજસ્થાન પોલીસે પપલાની ધરપકડ કરીને તેને જયપુર લઇને આવ્યા હતા. તેને ઉચ્ચ સુરક્ષા સાથે સજ્જ અજમેર જેલમાં બંધ કરી દેવાયો હતો. જેલ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ગયા વર્ષે, પાપલા ગુર્જરને 2014ના હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર