નવી દિલ્હી: ભારતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે (Parthiv Patel) બુધવાર (9 ડિસેમ્બર)ના રોજ પોતાની 18 વર્ષની ક્રિકેટની કારકિર્દીમાંથી સંન્યાસ લીધો છે. પાર્થિવે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે તે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. 35 વર્ષના પાર્થિવે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન-ડે અને બે ટી-20 ઇન્ટરનેશનલ રમી છે. ઘરેલું ક્રિકેટમાં ગુજરાત માટે રમતા પાર્થિવે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. સંન્યાસની જાહેરાત સાથે કરેલા ટ્વીટમાં પાર્થિવ પટેલે બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે પાર્થિવ પટેલે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
પાર્થિવ પટેલે વર્ષ 2002માં ભારતીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો વિકેટકીપર પણ બન્યો હતો. પાર્થિવે 17 વર્ષ અને 153 દિવસમાં ડેબ્યૂ કર્યું હતું. પાર્થિવે ટેસ્ટ ક્રિકેટમાં 31.13ની સરેરાશથી 934 રન બનાવ્યા છે. જ્યારે, વન-ડેમાં 23.7ની સરેરાશથી 736 રન બનાવ્યા છે. પાર્થિવની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ખૂબ સારી રહી હતી, પરંતુ 2004માં દિનેશ કાર્તિક અને મહેન્દ્રસિંહ ધોનાના ઉદય બાદ તેણે પોતાનું સ્થાન ગુમાવી દીધું હતું.
પાર્થિવે ભલે વચ્ચે ક્રિકેટમાં વાપસી કરી હતી પરંતુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને રિદ્ધિમાન સાહા ટેસ્ટમાં પ્રથમ પસંદ બન્યો હતો. જે બાદમાં અમદાવાદના આ ક્રિકેટર માટે તમામ વસ્તુ પડકારજનક બની હતી. જોકે, પાર્થિવે ક્યારેય હાર માની ન હતી. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ઘરેલૂ સર્કિટમાં સતત સારું પ્રદર્શન કરતો રહ્યો હતો.
IPL 2015માં પાર્થિવ પટેલે 339 રન બનાવ્યા હતા અને મુંબઈ ઇન્ડિયન્સના સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર રહ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે આ વર્ષે આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ વર્ષના અંતમાં તેણે લિસ્ટ-એમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી અને ગુજરાતને પોતાના પ્રથમ વિજય હજારે ટ્રૉફી સુધી પહોંચાડ્યું હતું.
આ પણ જુઓ
નિવૃત્તિની જાહેરાત કરતા પાર્થિવ પટેલે પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો આભાર માન્યો છે, જેમની કેપ્ટનશીપ હેઠળ તેણે ડેબ્યૂ કર્યું હતું. પટેલે લખ્યું છે કે, "હું ખાસ કરીને દાદાનો ઋણી છું, મારા પ્રથમ કેપ્ટન જેમણે મારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો હતો."