પાણીપત : હરિયાણાના (haryana)પાણીપત (Panipat) જિલ્લામાં ગુરુવારે સવારે કરૂણ માર્ગ અકસ્માત (Road Accident in Panipat) સર્જાયો હતો. જિલ્લાના બાબરપુર વળાંક પર દાદા સાથે કોલેજ જઈ રહેલી વિદ્યાર્થિનીને ક્રેને કચડી નાખી હતી. જેમાં વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથે જ તેના દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તે જ સમયે લોકોએ ક્રેન ચાલકને પકડી લીધો હતો. ક્રેન ચાલક સગીર હોવાનું કહેવાય છે. જેથી લોકોમાં રોષ ફેલાયો હતો. બનાવને પગલે મૃતકના પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવમાં આરોપી ડ્રાઇવરને પોલીસે સકંજામાં લીધો છે.
ડ્રાઇવર સગીર હોવાનો ખુલાસો
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે બાબરપુર વળાંક પર કોલેજ જતી યુવતી ક્રેનથી કચડાઇ (crane crushes student) ગઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોએ જોયું કે ક્રેનનો ડ્રાઈવર સગીર છે. પોલીસ કંટ્રોલ રૂમ નંબર ડાયલ 112 પર અકસ્માતની માહિતી આપવામાં આવી હતી.
પૌત્રીને કોલેજ મૂકવા જતા હતા દાદા
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ત્યારે આ મામલે સદર પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 19 વર્ષની સાક્ષી બાબરપુર મંડીની રહેવાસી હતી. સાક્ષી એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી અને 65 વર્ષના દાદા સુભાષ તેને કોલેજમાં મૂકવા જતા હતા.
આ દરમિયાન સગીર ડ્રાઈવરે બંને પર હાઈડ્રા ચઢાવી દીધી હતી. જેમાં દાદાની નજર સામે જ પૌત્રીનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે દાદા ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાક્ષીના પિતા દીપક બાબરપુર મંડીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. સાક્ષી સૌથી મોટી પુત્રી હતી. તેમને નાનો પુત્ર પણ છે. પુત્રીના અચાનક દર્દનાક મોતથી પરીવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આરોપીનો અકસ્માત કરી નાસવાનો પ્રયાસ
બીજી તરફ 14 વર્ષીય આરોપી અકસ્માત પછી સ્થળ પર હાઇડ્રાને છોડીને ભાગી રહ્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો. હાલ પોલીસે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ આરોપી ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર