Covid Vaccine Shortage: વેક્સીનની તંગી અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્ર સરકાર પર ભેદભાવ રાખવાનો આક્ષેપ લગાવ્યો. તેમના જણાવ્યા પ્રમાણે અમને અઠવાડિયામાં ફક્ત 17 લાખ કોરોના વેક્સીન ડોઝ મળ્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશના 48 લાખ, મધ્ય પ્રદેશને 40 લાખ અને ગુજરાતને 30 લાખ ડોઝ મળ્યા છે.
Covid Vaccination Shortage in Maharashtra:મુંબઈ: એક બાજુ દેશમાં કોરોનાની બીજી લહેર (Corona second wave) જોવા મળી રહી છે. બીજી તરફ કોરોના વેક્સીન (Corona vaccine)ને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોએ કોરોના વેક્સીનની અછતની ફરિયાદો કરી છે. મુંબઈના BMCએ પુષ્ટિ કરી છે કે મુંબઈમાં કુલ 120 વેક્સીનેશન સેન્ટર છે, જેમાંથી ખાનગી વેક્સીનેશન સેન્ટરની સંખ્યા 73 છે, જેમાંથી 26 બંધ થઈ ગયા છે. બાકીના 26 સેન્ટર આજે સાંજ બાદ બંધ થઈ જશે. બાકીના 21 સ્ટૉક ખતમ થતા જ શુક્રવારે બંધ થઈ જશે. આ ઉપરાંત નવી મુંબઈના 23 વેક્સીનેશન સેન્ટર બંધ થઈ ગયા છે.
વેક્સીનની તંગી અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્ર સરકાર પર ભેદભાવ રાખવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે અમને અઠવાડિયામાં ફક્ત 17 લાખ કોરોના વેક્સીન ડોઝ મળ્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના 48 લાખ, મધ્ય પ્રદેશને 40 લાખ અને ગુજરાતને 30 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
ટોપેએ કહ્યુ કે, મેં ભેદભાવ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન સાથે વાતચીત કરી છે. અમારે ત્યાં સૌથી વધારે કેસ છે, વસ્તી પણ વધારે છે, અહીં 57 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આવું હોવા છતાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. મારી ફરિયાદ પર ડૉક્ટર હર્ષ વર્ધને કહ્યું છે કે, હું આ બાબત જોઈ રહ્યો છું અને વ્યવસ્થા સરખી કરી રહ્યો છું.
મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, "દેશમાં સૌથી વધારે રસીકારણ મહારાષ્ટ્રમાં કરવામાં આવી રહ્યું છે. દરરોજ ચાર લાખ ડોઝ લાગી રહ્યા છે." સાથે જ ટોપેએ દાવો કર્યો છે કે તેમની ક્ષમતા દરરોજ છ લાખ લોકોને રસી આપવાની છે. તેમને અઠવાડિયે 40 લાખ અને મહિને 1.6 કરોડ ડોઝ મળવા જોઈએ.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે, દિલ્હીમાં કોરોના રસીકરણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. ગઈકાલે અમને થોડો જથ્થો મળ્યો છે. અમારી પાસે ચાર-પાંચ દિવસ ચાલે એટલો જ સ્ટોક છે. અમે વધારાની રસીની માંગણી કરી છે. અમને આશા છે કે જથ્થો મળી જશે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે તમામ લોકોને વેક્સીનની છૂટ આપવી જોઈએ. સાથે જ તેમણે એવી પણ માગણી કરી છે કે ફક્ત હેલ્થ સેન્ટર્સ પર જ નહીં પરંતુ આ માટે ઠેરઠેર કેમ્પ શરૂ કરવામાં આવે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર