નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ભલે નબળી પડી હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દેશ પર હવે સંભવિત ત્રીજી લહેર (Corona third wave)નો ખતરો મંડાઈ રહ્યો છે. કોરોના (Corona Infection) સામે લડવા માટે વેક્સીન (Vaccine)ને મોટું સુરક્ષા કવચ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સરકાર દેશના તમામ નાગરિકોને ઝડપથી રસી લાગી જાય તે માટે અભિયાન (Corona Vaccination Campaign) ચલાવી રહી છે. દરેક વ્યક્તિ સુધી કોરોના વેક્સીન પહોંચે તે માટે સરકારે રસીકરણના નિયમો વધુ સરળ બનાવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) લોકોને સુવિધા પૂરી પાડતી કોવિડ એપ (CoWIN App) અથવા વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. સરકારના નવા નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના નજીકના સેન્ટર પર જઈને ઑન સાઇટ રજિસ્ટ્રેશન (સ્થળ પર નોંધણી) કરાવીને રસી લઈ શકે છે.
પીઆઈબી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના વેક્સીનને દેશના દરેક ખૂણામાં પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ અને આશા કાર્યકરો ગ્રામ્ય વિસ્તારો અને શહેરના સ્લમ વિસ્તારમાં જશે. આ લોકો તેમને ઑન સાઇટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજુ ઑનલાઇન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. આ જ કારણે ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અભિયાન ખૂબ જ મંદ ગતિએ ચાલી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 13 જૂન સુધી કોવિન મારફતે કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઑન સાઇટ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીના રોજ થઈ હતી. 16 જાન્યુઆરીથી અત્યારસુધી 26 કરોડથી વધારે લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મંગળવારે 18-44 વર્ષના યુવા વર્ગના 13,13,438 લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 54,375 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે 21 જૂનથી ફરીથી રસીકરણ અભિયાનની કામગીરી પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે આ મહિના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે. કોવિશીલ્ડ નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ પણ કહ્યુ છે કે તે પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. આ મહિને તે 10 કરોડ ડોઝના ઉત્પાદન માટે સક્ષમ હશે. આ ઉપરાંત ભારત બાયોટેક અને રશિયાની સ્પુતનિક-v વેક્સીનના બે કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે રસીને આયાત કરવાની કામગીરી ચાલી રહી છે. આથી મહિનાના અંત સુધીમાં દેશ 12 કરોડ લોકોને રસી આપવા માટે સક્ષમ હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર