વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી(Covid-19 Pandemic)ના કારણે ભારત અને કેનેડાની વચ્ચે હાલ 21 જુલાઇ સુધી ફ્લાઇટ સેવાઓ બંધ રાખવામાં આવી છે. પરંતુ હવે કેનેડાએ કોરોનાની રસીના બંને ડોઝ મેળવનાર લોકો માટે પોતાના દ્વાર ખોલી દીધા છે. થર્ડ કન્ટ્રી રૂટ પરથી કેનેડા આવનાર ભારતીયોને પરમિશન આપી દીધી છે.
આ અંગે કેનેડાએ નવી ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરી છે. કેનેડાના ઓફિશિયલ ટ્રાવેલ એડવાઇઝરે જણાવ્યું કે, ભારતથી કેનેડા જવા ઇચ્છુક લોકો થર્ડ કન્ટ્રી રૂટ દ્વારા કેનેડા જઇ શકે છે. આ દરમિયાન તેમને કોવિડ-19 ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેશે. જો રિપોર્ટ નેગેટિવ હશે તો જ બોર્ડિંગ માટે પરમિશન આપવામાં આવશે.
ટ્રાવેલ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આ કોરોના નેગેટિવ રીપોર્ટ જે-તે ત્રીજા દેશનો હોવો જોઇએ. કારણ કે કેનેડા હાલ ભારતની મોલિક્યુલર ટેસ્ટ રિપોર્ટને માન્ય ગણી રહ્યું નથી.
કેનેડા સરકારે ભારત માટે એક ગ્લોબલ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઇ પ્રવાસી પહેલા કોરોના સંક્રમિત થયો અને તે કેનેડાનો પ્રવાસ કરવાનો છે, તો તેને કોરોના ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. કોરોના રિપોર્ટ પ્રવાસના 14થી 90 દિવસની વચ્ચે કરાયેલો હોવો અનિવાર્ય છે. આ રિપોર્ટ કોઇ ત્રીજા દેશનો હોવી જોઇએ. આ સિવાય જો કોઇ પ્રવાસી કોરોના પોઝિટિવ આવે છે, તો તેને જે-તે ત્રીજા દેશમાં 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.
આ છે સમસ્યા
કેનેડાની આ નવી એડવાઇઝરીથી વેપારીઓ, સ્ટૂડન્ટ્સ અને અન્ય કારણોથી દેશનો પ્રવાસ કરવા ઇચ્છતા ભારતીયોની સમસ્યા વધી છે. એડવાઇઝરી અનુસાર, રિપોર્ટ પોઝિટીવ આવનાર ભારતીય પ્રવાસે ત્રીજા દેશમાં 14 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. જેનાથી તેમના સમયનો પણ વ્યય થશે અને ત્રીજા દેશમાં રહેવાનો ખર્ચો પણ લાગશે.
જોકે ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવનાર કેનેડા એકમાત્ર પહેલો દેશ નથી. ઘણા દેશોએ ભારતથી આવનાર પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ખાસ કરીને કોરોના સંક્રમિત થયેલા લોકો માટે તો નિયમો ખૂબ કડક રાખવામાં આવ્યા છે. જો એરપોર્ટ પર ટેસ્ટિંગ દરમિયાન કોઇ પ્રવાસી પોઝીટિવ આવે છે તો તેને તરત જ 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર