Home /News /national-international /

Omicron in India: દિલ્હી, મુંબઈમાં કોરોના R- Valueમાં મોટો ઉછાળો, જાણો તેનો મતલબ શું છે

Omicron in India: દિલ્હી, મુંબઈમાં કોરોના R- Valueમાં મોટો ઉછાળો, જાણો તેનો મતલબ શું છે

દેશમાં 49 દિવસ બાદ કોવિડ-19ના દૈનિક 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. (Image- Shutterstock)

Coronavirus cases in India: દેશમાં 49 દિવસ બાદ કોવિડ-19ના દૈનિક 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 11 નવેમ્બરે 24 કલાકમાં સંક્રમણના 13,091 નવા કેસ નોંધાયા હતા.

  નવી દિલ્હી. સરકારે ગુરુવારે કહ્યું કે કોવિડ-19 (Covid-19)ના ફેલાવાના સંકેત આપનારી આર નોટ વેલ્યુ (Reproduction Value) દેશમાં 1.22 છે અને તે ચેતવણી છે કે કેસ વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને ગુજરાત સાપ્તાહિક કોવિડ -19 કેસ અને પોઝીટીવિટી રેટ (Covid Positivity Rate) ના આધારે ચિંતાજનક દ્રશ્યો દર્શાવે છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વીકે પોલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણના કેસ અમુક રાજ્યોમાં બહુ વધી રહ્યા છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' (Omicron)ના 180 નવા કેસ નોંધાયા બાદ દેશમાં આ વેરિઅન્ટના કેસ વધીને 961 થઈ ગયા છે. આ એક દિવસમાં નોંધાયેલા ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે.

  મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સૌથી વધુ 263 કેસ, મહારાષ્ટ્રમાં 252, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, કેરળમાં 65 અને તેલંગાણામાં 62 કેસ નોંધાયા છે. લેટેસ્ટ ડેટા અનુસાર ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,154 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,22,040 થઈ ગઈ છે. તો સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 82,402 થઈ ગઈ છે. વધુ 268 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,80,860 થયો છે.

  દેશમાં 49 દિવસ બાદ 13 હજારથી વધુ કેસ

  દેશમાં 49 દિવસ બાદ કોવિડ-19ના દૈનિક 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ, 11 નવેમ્બરે 24 કલાકમાં સંક્રમણના 13,091 નવા કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું, ‘અમારું માનવું છે કે વૈજ્ઞાનિક આધાર પર ઉપલબ્ધ ડેટા અનુસાર, R વેલ્યુ 1.22 છે,તેથી કેસ વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. આપણે જે જોઈ રહ્યા છીએ તે ઓમિક્રોન સ્વરૂપના કેસોની વૈશ્વિક વૃદ્ધિનો ભાગ હોઈ શકે છે. અમે પહેલાથી જ જાણીએ છીએ કે આ સ્વરૂપ અત્યંત સંક્રામક છે અને વિશ્વમાં જે ઝડપે કેસ વધી રહ્યા છે તે આપોઆપ આ કહે છે.’

  તેમણે કહ્યું, ‘ગભરાવાની જરૂર નથી કારણકે, આપણે રાષ્ટ્ર તરીકે તૈયાર છીએ. આપણી પાસે અનુભવ અને રસીકરણની વ્યાપક ઢાલ છે. ફક્ત તૈયાર રહો, જવાબદાર અને અનુશાસિત બનો.’

  આ પણ વાંચો: ડોક્ટરો કેવી રીતે કરી રહ્યા છે Omicron કોરોના વેરિએન્ટની સારવાર

  તેમણે કહ્યું કે ઘણી રાજ્ય સરકારોએ યોગ્ય પગલાં લીધાં છે અને તમામ વેરિઅન્ટ એક જ માર્ગ દ્વારા પ્રવેશ કરે છે જેને માસ્ક પહેરીને અવરોધિત કરી શકાય છે.
  મામલાઓને ધ્યાનમાં રાખીને તકેદારી વધારવાની જરૂર છે

  લગભગ 33 દિવસ પછી ભારતમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમણના કેસો આવ્યા છે. તેને જોતાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ, લવ અગ્રવાલે સંક્રમણના તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને તકેદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

  અગ્રવાલે કહ્યું કે દેશના આઠ જિલ્લામાંથી કોવિડ-19ના સાપ્તાહિક સંક્રમણના 10 ટકાથી વધુ કેસ સામે આવી રહ્યા છે, 14 જિલ્લામાં સંક્રમણ દર પાંચથી 10 ટકા છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને ગુજરાત સાપ્તાહિક કોવિડ-19 કેસ અને પોઝીટીવીટી રેટના આધારે ચિંતાજનક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ઉભરી રહ્યાં છે.

  આ પણ વાંચો: OPINION: દેશમાં એક તરફ covid-19 વધતા કેસ અને બીજી તરફ 5 રાજ્યોમાં ચૂંટણી, શું કરશે EC?

  સરકારે કહ્યું કે ભારતની 90 ટકા પુખ્ત વસ્તીને કોરોનાવાયરસ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 63.5 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે.

  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે કોવિડ-19 વિરોધી રસીકરણ અને પછી રોગપ્રતિકારક શક્તિ નવ મહિના કે તેથી વધુ સમય સુધી જળવાઈ રહે છે અને ત્રીજો ડોઝ જે ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે, તે સંક્રમણની ગંભીરતા, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના જોખમને ઘટાડવા માટે છે.

  સરકારે કહ્યું કે રસીકરણ પહેલા અને પછી માસ્ક પહેરવું જરૂરી છે. એક મહિનામાં 121 દેશોમાં ઓમિક્રોન સ્વરૂપના 3,30,379 કેસ નોંધાયા છે અને તેના કારણે 59 લોકોના મોત થયા છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, Covid-19 Case, Omicron Case, Omicron variant, દિલ્હી, મુંબઇ

  આગામી સમાચાર