નવી દિલ્હી : દેશમાં ખૂબ ઝડપે વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus) વચ્ચે ભારતમાં જ બનેલી કોવેક્સીન (COVAXIN) મામલે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. એઇમ્સ (AIIMS) ખાતે ચાલી રહેલી કોરોના વેક્સીનની પ્રથમ ટ્રાયલ (COVAXIN Trial) ખૂબ જ સારું પરિણામ આપી રહી છે. એઇમ્સમાં પ્રથમ દિવસે એક 30 વર્ષીય યુવકને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિમાં તેનો કોઈ આડઅસર જોવા નથી મળી. એઇમ્સમાં ચાલી રહેલા ટ્રાયલના મુખ્ય તપાસકર્તા ડૉક્ટર સંજય રાજયના કહેવા પ્રમાણે કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે, અમે હવે કોરોના વેક્સીનના ટ્રાયલ માટે સ્વયંસેવકોની સંખ્યા વધારીશું.
નોંધનીય છે કે દેશમાં જ બનેલી કોરોનાની રસીના ટ્રાયલ માટે 12 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી છે. આ સ્વયંસેવકોમાંથી શુક્રવારે બે લોકોને ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી એક સ્વયંસેવક એઇમ્સ પહોંચી શક્યો ન હતો. આ જ કારણે શુક્રવારે એક જ વ્યક્તિને રસી આપવામાં આવી હતી. એઇમ્સમાં ટ્રાયલના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડૉક્ટર સંજય રાયે જણાવ્યું કે, કોઈ પણ રસીના પરીક્ષણનો પ્રથમ તબક્કો સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે. આ જ કારણે વેક્સીન આપ્યાના પ્રથમ બે કલાક દરમિયાન અમે વ્યક્તિના હાવભાવથી લઈને તેને થતી તમામ તકલીફ પર નજર રાખીએ છીએ. જ્યારે અમે પ્રથમ વ્યક્તિને ડોઝ આપ્યો ત્યારે તેને કોઈ તકલીફ પડી ન હતી. બે કલાક સુધી દેખરેખ રાખ્યા બાદ વ્યક્તિને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Corona : ભારતના ફક્ત બે રાજ્યમાં જ આખા યૂરોપથી વધારે કેસ સામે આવી રહ્યા છે!
કોરોના વેક્સીનના ટ્રાયલમાં સામેલ દરેક વ્યક્તિને એક ડાયરી આપવામાં આવી છે. આ ડાયરીમાં તેમણે તેમને થતી તમામ તકલીફ વિશે નોંધ કરવાની રહેશે. સંજય રાયે જણાવ્યું કે સ્વયંસેવકોને સાત દિવસ પછી ફરીથી બોલાવવામાં આવશે. આ દરમિયાન તેમને કોઈ તકલીફ હોય તો ડૉક્ટરોની સલાહ લઈ શકે છે. તેમણે જણાવ્યું કે એઇમ્સની એક ટીમ સતત આ સ્વયંસેવકોના સંપર્કમાં રહેશે. નોંધનીય છે કે આજે પણ ચાર લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.
વીડિયોમાં જુઓ : કોરોનામાં કાળો કારોબાર
15 થી 20 દિવસ ચાલશે પ્રથમ તબક્કો
કોઈ પણ રસીનો પ્રથમ તબક્કો 15 થી 20 દિવસ ચાલતો હોય છે. રસીકરણ બાદ તમામ માહિતી એથિક્સ કમિટિને સોંપવામાં આવે છે. કમિટિ રિપોર્ટ તપાસ્યા બાદ બીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી આપે છે. નોંધનીય છે કે આખા દેશમાંથી કોરોનાની રસીના પ્રથમ તબક્કાના ટ્રાયલ માટે 100 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:July 25, 2020, 08:20 am