નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને ફેસ માસ્ક બનાવવા અને પહેરવાનો આગ્રહ કર્યાના થોડા દિવસ બાદ જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ માસ્ક બનાવવાનું ટ્યૂટોરીયલ શૅર કર્યું છે. ભારતમાં 21 દિવસના લૉકડાઉન (Lockdown)ના દરમિયાન માસ્કની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં લોકો ઘરે જ જૂના કપડાથી માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે.
આવા સંકટને ઉકેલવા માટે દેશભરના સામાન્ય લોકોને N-95 માસ્ક ખરીદવાને બદલે ઘરે બનાવેલા માસ્ક પહેરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. કારણ કે N-95 માસ્ક કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સૌથી વધુ જરૂર છે.
પીએમ નરેન્દ્ર મોદીના આ અનુરોધને ધ્યાનમાં લેતાં અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાનીએ ઘરમાં કેવી રીતે માસ્ક બનાવી શકાય તેનો એક ફોટો શૅર કર્યો છે. તેમણે ટ્વિટર પર આ ફોટો શૅર કરતાં લખ્યું છે કે, ઘરે બેઠાં સોય-દોરાની મદદથી રિયૂઝેબલ માસ્ક બનાવી શકાય છે.
તેમની આ પોસ્ટ પર અનેક કોમેન્ટ્સ અને હજારો લાઇક્સ આવી છે. અનેક રાજ્યો જેમક કે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ઘરથી બહાર જતી સમયે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જરૂરી કરી દેવામાં આવ્યો છે.