વોશિંગટનઃ અમેરિકા (US)માં રાષ્ટ્રીય પ્રાર્થના દિવસના અવસરે વ્હાઇટ હાઉસ (White House)ના રોઝ ગાર્ડનમાં એક હિન્દુ પૂજારીએ પવિત્ર વૈદિક શાંતિ પાઠ (Hindu Shanti Path) કરાવ્યો. મળતી જાણકારી મુજબ, આ શાંતિ પાઠની સલાહ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ જ આપી હતી અને તે કોરોના વાયરસ (Coronavirus) વૈશ્વિક મહામારીથી પ્રભાવિત દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કુશળતા માટે કરાવવામાં આવ્યો છે. આ શાંતિ પાઠ પૂરા હિન્દુ રીત-રિવાજો સાથે સંપન્ન કરવામાં આવ્યો અને આ દરમિયાન ટ્રમ્પ પણ ત્યાં હાજર રહ્યા હતા.
આ શાંતિ પાઠ માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે ન્યૂ જર્સીના BAPS સ્વામીનારાયણ મંદિરના પૂજારી હરિશ બ્રહ્મભટ્ટને આમંત્રણ મોકલ્યું હતું. આ પ્રસંગે પ્રાર્થના કરવા માટે હરિશ બ્રહ્મભટ્ટની સાથે અન્ય ધર્મોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા. બ્રહ્મભટ્ટે રોઝ ગાર્ડન મંચથી પોતાની સંક્ષિપ્ત ટિપ્પણીમાં કહ્યું કે, કોવિડ-19, સામાજિક અંતર અને લૉકડાઉનના આ મુશ્કેલીભર્યા સમયમાં લોકોની બેચેની કે અશાંતિ અનુભવ કરવો અસામાન્ય નથી. શાંતિ પાઠ એવી પ્રાર્થના છે જેમાં દુનિયાભરની પ્રતિષ્ઠા, સફળતા, નામની ઈચ્છા નથી હોતી, ન તો તે સ્વર્ગ જવાની ઈચ્છા માટે કરવામાં આવે છે. તેઓએ સંસ્કૃતમાં પ્રાર્થના કરતાં પહેલા કહ્યું કે, આ શાંતિ માટે ખૂબ સારી હિન્દુ પ્રાર્થના છે. તે યજુર્વેદથી લેવામાં આવેલી વૈદિક પ્રાર્થના છે.
પહેલા સંસ્કૃતમાં શ્લોક વાંચ્યા પછી તેને અંગ્રેજીમાં સમજાવ્યા
હરિશ બ્રહ્મભટ્ટે રોઝ ગાર્ડનમાં શાંતિ પાઠ દરમિયાન સંસ્કૃતમાં શ્લોક વાંચ્યા અને ત્યારબાદ તેઓએ આ પ્રાર્થનાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. બ્રહ્મભટ્ટે કહ્યું કે, આ પ્રાર્થના સ્વર્ગમાં શાંતિની વાત કરે છે. ધરતી અને આકાશમાં, જળમાં, વૃક્ષ-છોડ પર શાંતિ, ખેત પેદાશો પર શાંતિ હોય. બ્રહ્મ પર શાંતિથી લઈને દરેક સ્થળે શાંતિ હોય અને ઈશ્વર કરે કે આપણે આ શાંતિ અનુભવી શકીએ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.
સંસ્કૃતમાં પ્રાર્થના કરતાં પહેલા હરિશ બ્રહ્મભટ્ટે કહ્યું કે, આ શાંતિ માટે ખૂબ સારી હિન્દુ પ્રાર્થના છે. તે યજુર્વેદથી લેવામાં આવેલી વૈદિક પ્રાર્થના છે. (Photo: BAPS)
ટ્રમ્પે પ્રાર્થના કરાવવા માટે હરિશ બ્રહ્મભટ્ટનો આભાર પણ માન્યો. પોતાની ટિપ્પણીમાં રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે રાષ્ટ્રીય પ્રાર્થના દિવસે અમેરિકા ખૂબ ભયાવહ બીમારીની વિરુદ્ધ ઉગ્ર જંગ લડી રહ્યું છે. તેઓએ કહ્યું કે ઈતિહાસમાં પણ, દરેક પ્રકારના પડકારપૂર્ણ સમયમાં અમેરિકાએ ધર્મ, આસ્થા, પ્રાર્થના અને ઈશ્વરીય શક્તિ પર ભરોસો મૂક્યો છે. પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે કોવિડ-19ના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.