નવી દિલ્હી: ભારતમાં શનિવારે કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ (Coronavirus Vaccination Drive) અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં રસીકરણની શરૂઆત કરાવતા પહેલા વડાપ્રધાન મોદી (PM Modi)એ દેશને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે, વેક્સીન લીધા બાદ પણ કોઈ વ્યક્તિ થોડી પણ બેદરકારી ન દાખવે અને માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing)ના નિયમોનું પાલન કરે. પીએમ મોદી કહ્યુ હતુ કે આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યાં છે. સાથે જ પીએમ મોદીએ લોકોને ધીરજ રાખવાની પણ અપીલ કરી હતી. આ દરમિયાન એક ક્ષણે કોરોનામાં જીવ ગુમાવનાર લોકોને યાદ કરીને પીએમ મોદી ભાવુક પણ થઈ ગયા હતા.
કોરોના રસીકરણના અભિયાનની શરૂઆત કરાવતા પીએમ મોદી સંબોધન દરમિયાન એવા સ્વાસ્થ્યકર્મીઓને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા જેઓ કોરોનાથી સંક્રમિત થઈને પોતાના ઘરે પરત ફર્યાં ન હતાં. વડાપ્રધાન મોદીએ દિવંગત સ્વાસ્થ્યકર્મીઓને યાદ કરીને કહ્યું કે, "આપણા હજારો સાથી એવા છે જેઓ ઘરે પરત નથી ફરી શક્યા."
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, "આપણા ડૉક્ટર, પોલીસ જવાનો, બીજા ફ્રન્ટલાઇન કર્મચારીઓએ માનવતા પ્રત્યે પોતાની ફરજને પ્રાથમિકતા આપી છે. જેમાંથી મોટાભાગના પરિવાર અને બાળકોથી દૂર રહ્યા છે. અનેક દિવસો સુધી ઘરે નથી આવ્યા. સેંકડો સાથી એવા પણ છે જેઓ ક્યારેય ઘરે પરત ન ફરી શક્યા. તેમણે એક એક જિંદગી બચાવવા માટે પોતાના જીવનની આહૂતિ આપી દીધી."
આ પણ વાંચો: ભારતની બંને કોરોના રસી કસોટીમાં ખરી ઉતરી છે, લોકો અફવાઓથી દૂર રહે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, "આ જ કારણ છે કે સૌથી પહેલા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લોકોને રસી આપવામાં આવી રહી છે. આવું કરીને આપણે તેમનું ઋણ ચૂકવી રહ્યા છીએ. આ રસી તે તમામ સાથીઓ પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટ્રની આદરાંજલિ છે."
આ પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ભારતે કોરોના મહામારી સામે જે રીતે લડત લડી છે તેને આખી દુનિયાએ જોઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થા, સરકારી સંસ્થા, સામાજિક સંસ્થા એક સાથે મળીને ખૂબ સારું કામ કરી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ ભારતે આખી દુનિયા સામે રજૂ કર્યું છે.