નવી દિલ્હી : શુક્રવાર સુધી દેશમાં કોરોનાને કારણે 62 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા 2,547 થઈ છે. છેલ્લા 24 કલાકમાં શુક્રવારે કોરોનાના 478 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 163 લોકો કોરોનાની બીમારી (Corona Disease) બાદ સાજા થઈ ગયા છે, જેમને હૉસ્પિટલોમાંથી (Hospitals) રજા આપી દેવામાં આવી છે. દેશના 211 જિલ્લાઓમાં કોવિડ 19ના કેસ નોંધાયા છે. દુનિયાભરમાં કોરોના પોઝિટિવની સંખ્યા દસ લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને કારણે વિશ્વમાં 50 હજાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોરોના સાથે જોડાયેલા 10 અપડેટ્સ :
1) મુંબઈ એરપોર્ટ પર તહેનાત સીઆઈએસએફના જવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એરપોર્ટ પર તહેનાત 11 જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11માંથી ચાર લોકોનો રિપોર્ટ ગુરુવારે આવ્યો હતો, જ્યારે બાકીના લોકોનો રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો. ગત થોડા દિવસોથી 142 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
2) ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવારે તબલીગી જમાતના અમુક લોકો સામે એનએસએ (National Security Act) અંતર્ગત ગુનો નોંધ્યો છે. આ લોકો સામે ગુનો દાખલ કરવાનો આદેશ કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને 'માનવતાના દુશ્મનો' કહ્યા હતા. ગાઝિયાબાદની હૉસ્પિટલ ખાતે તબગીલી જમાતના લોકોએ સારવાર દરમિયાન સ્ટાફ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં તેમની સામે ગુનો દાખલ થયો છે.
3) શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો મારફતે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે ફરીથી લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે. આ સાથે જ તેમણે લોકોને શેરી, મહોલ્લા કે રોડ પર ન જવાનું જણાવ્યું હતું.
4) શુક્રવાર સુધી મુંબઈમાં કોરોનાના 179 અને દિલ્હીમાં 152 કેસ નોંધાઇ ચુક્યા છે. અન્ય મેટ્રોની વાત કરવામાં આવે તો બેંગલુરુમાં 52, પુણેમાં 49, હૈદરાબાદમાં 44 કેસ નોંધાયા છે. નોન-મેટ્રોની વાત કરવામાં આવે તો કસરગોડમાં 115 અને કન્નુરમાં 49 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશના જીબી નગરમાં 45, અમદાવાદમાં 45 અને જયપુરમાં 32 કેસ નોંધાયેલા છે.
5) કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના 14 હૉટસ્પોટ ઓળખી લીધા છે, જ્યાં સૌથી વધારે કેસ નોંધાયેલા છે. જેમાં દીલશાદ ગાર્ડન, નિઝામુદ્દીન, નોઇડા, ભીલવાડા, કસરગોડ, પઠાનમથીટ્ટા, કન્નુર, મુંબઈ, પુણે, ઇન્દોર, જબલપુર, અમદાવાદ, લદાખ અને યવતમાલનો સમાવેશ થાય છે.
કોરોના સામે લડવા માટે વર્લ્ડ બેંક તરફથી 25 દેશો માટે 1.9 બિલિયન ડૉલરની મદદની જાહેરાત કરવામાં આવી છે. જેનો મોટો હિસ્સો, એટલે કે 1 બિલિયન ડૉલરન ભારતને મળશે. આ રકમનો ઉપયોગ સ્ક્રિનિંગ, કોન્ટાક્ટ ટ્રેસિંગ, લેબોરેટરી, PPEની ખરીદી તેમજ નવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા માટે થશે.
7) શુક્રવારે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવી ધારાવીમાં એક ડૉક્ટરોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાવીમાં કોરોના વાયરસ પોઝિટિવનો આ ત્રીજો કિસ્સો છે. ધારાવા ખાતે પાંચ કિલોમીટરના વિસ્તારમાં આશે 10 લાખ લોકો રહે છે. જેના કારણે અહીં કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું છે.
8) આંધ્રપ્રદેશમાં કોવિડ 19ને કારણે પ્રથમ મોત નોંધાયું છે. રાજ્યમાં કુલ 161 કેસમાંથી 140 કેસ તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. તબલીગી જમાત સાથે જોડાયેલા 55 વર્ષીય વૃદ્ધનું 30મી માર્ચના રોજ કોરોના વાયરસને કારણે મોત થયું હતું. વૃદ્ધને તેના દીકરાથી કોરોનાનો ચેપ લાગ્યો હતો.
9) ગુરુવારે નવી દિલ્હીની AIIMSના રેસિડેન્ટ ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરની પત્ની પણ ડૉક્ટર છે, જે હાલ તેના પેટમાં નવ મહિનાનો ગર્ભ છે. ડૉક્ટરની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
10) ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે દુનિયામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે મૃત્યાંક 50 હજારને પાર થયો છે. અમેરિકામાં બીજા દેશની સરખામણીમાં દૈનિક સૌથી વધારે મોત થઈ રહ્યા છે. અમેરિકામાં કોરોનાને કારણે આશરે છ હજાર લોકોનાં મોત થયા છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જ અમેરિકામાં 1000 લોકોનાં મોત થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર