Home /News /national-international /Omicron અંગે Bill Gatesની ચેતવણી- દુનિયા મહામારીના સૌથી ખરાબ તબક્કા તરફ જઈ રહી છે, મારા બધા પ્લાન કેન્સલ
Omicron અંગે Bill Gatesની ચેતવણી- દુનિયા મહામારીના સૌથી ખરાબ તબક્કા તરફ જઈ રહી છે, મારા બધા પ્લાન કેન્સલ
બિલ ગેટ્સે માસ્ક પહેરવા, વેક્સીન લગાવવા અને ભીડમાં ન જવાની સલાહ પણ આપી છે.
Bill Gates Warning over Omicron Variant: બિલ ગેટ્સે કહ્યું કે ટૂંક સમયમાં આપણે મહામારીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ શકીએ છીએ. એટલે આપણે અત્યારથી જ સાવધાન રહેવું પડશે.
વોશિંગ્ટન. કોરોના વાયરસ (Coronavirus Pandemic)નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) કોઇપણ વેરિઅન્ટની સરખામણીમાં સૌથી ઝડપી ફેલાઈ રહ્યો છે. અત્યારસુધીમાં લગભગ 90 દેશોમાં આ વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. આ દરમ્યાન દુનિયાના સૌથી અમીર લોકોમાં જેનો સમાવેશ થાય છે એ માઈક્રોસોફ્ટ (Microsoft)ના સંસ્થાપક બિલ ગેટ્સે (Bill Gates) ઓમિક્રોન વેરિઅન્ટ અંગે ચેતવણી આપી છે. ગેટ્સે સંક્રમણ અંગે એક પછી એક 7 ટ્વિટ કરી. તેમણે એવી અટકળ કરી છે કે ટૂંક સમયમાં આપણે મહામારીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ શકીએ છીએ. એટલે આપણે અત્યારથી જ સાવધાન રહેવું પડશે.
બિલ ગેટ્સે કહ્યું, ‘મારા નજીકના મિત્રો તેજીથી નવા સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે, એટલે લોકોએ સાવધાન રહેવું જોઈએ. નવા વેરિઅન્ટના જોખમને જોતાં મેં રજાઓમાં બહાર ફરવા જવાના પોતાના બધા જ પ્લાન કેન્સલ કરી નાખ્યા છે.’ ગેટ્સે માસ્ક પહેરવા, વેક્સીન લગાવવા અને ભીડમાં ન જવાની સલાહ પણ આપી છે.
બિલ ગેટ્સે આગળ કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે ઓમિક્રોન આપણને કેટલું બીમાર કરી શકે છે, એ પણ ખબર નથી. જો ડેલ્ટાના મુકાબલે તેનાથી અડધી પણ અસર થાય તો એ ચિંતાની વાત છે કેમકે, તે બહુ ઝડપથી ફેલાય છે.
Just when it seemed like life would return to normal, we could be entering the worst part of the pandemic. Omicron will hit home for all of us. Close friends of mine now have it, and I’ve canceled most of my holiday plans.
આખરે બિલ ગેટ્સે કહ્યું કે આ વચ્ચે એક સારી ખબર એ છે કે ઓમિક્રોન બહુ ઝડપથી આગળ વધે છે. કોઇપણ દેશમાં ફેલાયા બાદ સંક્રમણની લહેર 3 મહિનાથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જાય છે. તેમણે કહ્યું કે દુનિયા હંમેશા આવી નહીં રહે. એક દિવસ મહામારી ખતમ થશે. આપણે એકબીજાથી દેખરેખ કરીએ તો આ સમય જલ્દી જશે.
WHOએ ક્રિસમસ સેલિબ્રેશન રદ કરવાની અપીલ કરી
ગયા અઠવાડિયાની સરખામણીએ આ વખતે 39 ટકા વધુ બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે. અમેરિકાની સ્થિતિ તો એ છે કે હવે અહીં ઓમિક્રોને ડેલ્ટાને મુખ્ય વેરિઅન્ટ તરીકે રિપ્લેસ કરી દીધું છે. એ જ પ્રમાણે ડેન્માર્કમાં પણ ઓમિક્રોન મુખ્ય સ્ટ્રેન બની ચૂક્યું છે. આ પરિસ્થિતિને જોતાં WHOના વડાએ બધા દેશોને અપીલ કરી છે કે તેઓ ક્રિસમસ સેલિબ્રેશનને રદ કરી નાખે. તેમણે જણાવ્યું કે શોક મનાવવા કરતાં સારું છે, જશ્ન ન મનાવવો.
નેધરલેન્ડની સરકારે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને કડક લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 14 જાન્યુઆરી સુધી શાળાઓ, યુનિવર્સિટીઓ, અન્ય બિન-જરૂરી સ્ટોર્સ, બાર અને રેસ્ટોરાન્ટ બંધ રાખવામાં આવ્યા છે. ડેનમાર્કમાં મ્યુઝિયમો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ન્યુ સાઉથ વેલ્સમાં પ્રથમ વખત એક દિવસમાં કોરોનાના 3000 નવા કેસ નોંધાયા છે. આ કારણે વડા પ્રધાન સ્કોટ મોરિસન પર બૂસ્ટર ડોઝ રોલ આઉટ કરવાનું દબાણ વધી ગયું છે. તેવી જ રીતે વિક્ટોરિયામાં 1245 નવા દર્દીઓ મળી આવ્યા છે.
ઓમિક્રોનના ખતરા વચ્ચે, થાઇલેન્ડે પણ વિદેશી પ્રવાસીઓ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનની જાહેરાત કરી. અહીં પહેલા નેગેટિવ RTPCR રિપોર્ટ બતાવીને એન્ટ્રી કરવામાં આવતી હતી, પરંતુ હવે આ સ્કીમ બંધ કરી દેવામાં આવી છે. એ જ રીતે ઈઝરાયેલમાં કોરોનાની પાંચમી લહેર વચ્ચે અમેરિકાથી મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર