મુંબઈ: કોરોનાને કારણે દેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને દેશમાં ઘણા શહેરોમાં કર્ફ્યૂ (Curfew)જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે મુંબઈમાં એક વેગન રેસ્ટોરન્ટ ખૂબ જ પ્રસંશનીય કામ કરી રહ્યું છે. આ રેસ્ટોરન્ટ ગરીબ અને જરૂરિયાત લોકોને મફતમાં ભોજન (Free food) પૂરું પાડી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વૃદ્ધિ થવાને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)માં બુધવારથી 1 મે સુધી ધારા 144 લગાવવામાં આવી છે. જે અંતર્ગત 4થી અધિક લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે.
મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલ અર્થ કેફે બેરોજગાર, માઈગ્રન્ટ શ્રમિક અને તેમના બાળકોને મફતમાં ભોજન આપે છે. આ રેસ્ટોરન્ટના માલિક વી. ખટવાનીએ જણાવ્યું કે એક દિવસમાં 150 ફૂડ પાર્સલ મોકલવામાં આવે છે. આ રવિવારથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વેજિટેબલ રાઈસ પુલાવના 150 પાર્સલ આપવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં સ્વાસ્થ્યપ્રદ રસોઈ બનાવવામાં આવે છે અને સેનિટાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
રમઝાનની શરૂઆત થતા રેસ્ટોરન્ટના વોલન્ટીયરે માહિમ દરગાહની બહાર પણ ફૂડ આપ્યું હતું. સાથે જ માહિમ ચર્ચની આસપાસ પણ ફૂડ આપીને મદદ કરવામાં આવી હતી.
કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાને કારણે મહારાષ્ટ્રમાં વીકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આવા કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને પ્રશંસનીય કામ કરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન અનુસાર જાહેર સ્થળ પર જરૂરી કારણ વગર બહાર નીકળવા પર પ્રતિબંધ છે. આવશ્યક સેવાઓ સિવાય દરેક પ્રકારની ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મ, સીરિયલ અને જાહેરાતનું શૂટિંગ બંધ રહેશે. લગ્નમાં હાજર રહેવા માટે માત્ર 25 લોકોને મંજૂરી આપવામાં આવી છે.
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 61,695 નવા કેસ નોંધાતા કુલ કોરોનાના કેસનો આંકડો 36,39,855 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 349 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 59,153 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 6,20,060 કોરોનાના કેસ સક્રિય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર