સંદીપ સૈની, હિસાર. કોવિડ-19 (COVID-19)ના આ ભયાનક સમયમાં લોકોના જીવનની રક્ષા માટે દિવસ-રાત અથાગ મહેનત કરનારા કોરોના યોદ્ધાઓ (Corona Warriors)ની સુરક્ષા રામ ભરોસે છે. જો તેમને કોરોનાનું સંક્રમણ થઈ જાય તો તેની કોઈ ગેરંટી નથી કે તેમની સારવાર માટે બેડ મળી જ જશે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ સમયે જોવા મળ્યું જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર કરી રહેલી ટીમના ઇન્ચાર્જ તથા નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ પ્રવીણ કુમારને ત્રણ કલાક સુધી બેડ ન મળ્યો. પ્રવીણ કુમાર (Praveen Kumar) કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા 300થી વધુ લોકોના અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા હતા.
બીમાર પ્રવીણ કુમારને લઈ તેમનો પરિવાર ત્રણ કલાક સુધી એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભટકતા રહ્યા. મેયરથી લઈને કમિશ્નર અને સીએમઓ સુધી પ્રવીણના સાથીઓએ બેડ માટે આજીજી કરી. ત્યારબાદ કમિશ્નરના પ્રયાસથી તોશામ રોડ વિસ્તારમાં એક ખાનગી હૉસ્પિટલમાં બેડ મળી શક્યો. તેમનું ઓક્સિજન લેવલ 40 સુધી પહોંચી ગયું હતું અને તેમના સાથીઓનું કહેવું હતું કે ડૉક્ટરોએ કહ્યું કે, તેઓ તેમનું કામ કરી રહ્યા છે. તમે પણ ભગવાનને પ્રાર્થના કરો. પ્રવિણ કુમારની સ્થિતિ ગંભીર હતી અને તેમણે મોડી રાત્રે છેલ્લા શ્વાસ લીધા.
પ્રવીણ કુમાર હિસાર શહેરની સફાઈ વ્યવસ્થા સંભાળી રહેલા સફાઈ કર્મચારી યૂનિયનના પ્રમુખ હતા. તેઓ લગભગ 700 સફાઈ કર્મચારીઓની ટીમને સંભાળી રહ્યા હતા. પ્રવીણ કુમાર શહેરના જાણીતા લોકો પૈકી એક હતા. તેમના એક ઈશારા પર સમગ્ર શહેરની સફાઈ વ્યવસ્થા પર બ્રેક વાગી જતી હતી. નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ હોવા છતાં તેઓએ કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કારની 12 એપ્રિલ 2020થી કમાન સંભાળી હતી. એક વર્ષથી વધુ સમયથી પોતાની ટીમના સભ્યોની સાથે મળી કોરોનાના કારણે જીવ ગુમાવનારા 300થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા હતા. આ ઉપરાંત અંતિમ સંસ્કાર પર મળનારી રકમનો મોટાભાગનો હિસ્સો આપવાથી લઈને જરૂરિયાત વાળા લોકોની મદદ માટે ખર્ચ કરી ચૂક્યા હતા.
પ્રવીણના ભાઈ પવન અને યૂનિયન પદાધિકારી રાજેશ બાગડીએ જણાવ્યું કે, રવિવારે બીમાર પ્રવીણને લઈને પરિજનો સારવાર માટે ત્રણ કલાકથી વધુ સમય સુધી એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભટકતા રહ્યા. સીએમસી, આધાર, સુખદા અને જિંદલ હૉસ્પિટલ પહોંચ્યા પરંતુ યોગ્ય સારવાર માટે બેડ ન મળ્યો. અંતે મેયર અને કમિશ્નરે ફોન કર્યો ત્યારે મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં પ્રવીણ કુમારને બેડ મળી શક્યો. પરંતુ તેમને બચાવી ન શકાયા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર