Wearing mask is mandatory: રાજ્યોમાં કોરોનાની તૈયારીઓને લઇને સમીક્ષા કરાઇ રહી છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં માસ્કની વાપસી થઇ છે. હવે અહીં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જ્યારે ફ્લૂના લક્ષણો હોય તો કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
અમદાવાદ: ચીનમાં કોરોના હાહાકાર વચ્ચે ભારતમાં પણ સાવચેતીના પગલારૂપે તૈયારીઓ કરાઇ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિને લઇને સમીક્ષા બેઠક કરી હતી. જ્યારે દિલ્હી, ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાની તૈયારીઓને લઇને સમીક્ષા કરાઇ રહી છે. આ બધાની વચ્ચે કર્ણાટકમાં માસ્કની વાપસી થઇ છે. હવે અહીં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જ્યારે ફ્લૂના લક્ષણો હોય તો કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
કર્ણાટકમાં બંધ જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત
કર્ણાટકમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ એક એડવાઈઝરી જાહેર કરી છે. કોવિડ-19ને ફેલાવતો અટકાવવા માટે તેનું પાલન કરવાનું રહેશે. એડવાઈઝરી અનુસાર, બંધ જગ્યાએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરોનું કોવિડ-19 માટે રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે. હોસ્પિટલોને ઓક્સિજન સિલિન્ડર, પ્લાન્ટ અને જનરેટર તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
કેરળમાં એલર્ટ
કેરળમાં કોવિડ-19ની સ્થિતિને લઈને એલર્ટ જોવા મળી રહ્યું છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, હાલમાં રાજ્યમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. અમે જનતાને સતર્ક રહેવા અપીલ કરીએ છીએ. તેમણે કહ્યું કે રાજ્યમાં 100% લોકોને કોરોનાની રસી મળી ગઈ છે.
યુપીમાં કોરોનાને લઈને સાવચેતી જોવા મળી રહી છે. હવે તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે ભીડવાળા સ્થળોએ માસ્ક માટે જાગૃતિ લાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, નવા પ્રકારો પર નજર રાખવા અને દરેક પોઝિટિવ કેસની જીનોમ સિક્વન્સિંગ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ડરવાની નહીં, સતર્ક રહેવાની જરૂર છે
ચીનમાં કોરોનાએ મચાવેલા હાહાકાર વચ્ચે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવા સલાહ આપવામાં આવી રહી છે. તમામ રાજ્યોની સરકારો દ્વારા કોરોનાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે, ત્યારે ફરી એક વખત ચર્ચા થઇ રહી છે કે, શું વર્ષ 2020-21ના દિવસો ફરી પાછા ફરશે? લોકો ચિંતા સાથે ચર્ચા કરી રહ્યા છે કે, શું ફરી માસ્ક પહેરવું, લોકડાઉન, વર્કફ્રોમ હોમ, પ્રતિબંધોનો સામનો કરવો પડશે? જોકે, હાલ દેશમાં આવી સ્થિતિ નથી પરંતુ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને જ તેને રોકી શકાશે. ડરવાની નહીં, સતર્ક રહેવાની જરૂર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર