ઑસ્ટ્રેલિયાએ ભારતથી આવતા પોતાના નાગરિકો પર મૂક્યો પ્રતિબંધ, નિયમ તોડવા પર પાંચ વર્ષ સુધીની જેલ
ઑસ્ટ્રેલિયાએ ભારતથી આવતા પોતાના નાગરિકો પર મૂક્યો પ્રતિબંધ, નિયમ તોડવા પર પાંચ વર્ષ સુધીની જેલ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
Australia Travel Ban: ઑસ્ટ્રેલિયાએ હાલ ભારતમાં રહેતા તેમના નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો કોઈ ઑસ્ટ્રેલિયામાં ઘૂસવાનો પ્રયાસ કરશે તો તેને દંડની સાથે સાથે જેલની સજા ફટકારવામાં આવશે.
સિડની: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus India)થી ઊભી થયેલી હાલત બાદ ઑસ્ટ્રેલિયા (Australia)એ કડક પગલાં ભર્યાં છે. જે અંતર્ગત ભારતમાં રહેતા હોય તેવા ઑસ્ટ્રેલિયન નાગરિકો (Australian citizen) હાલ સ્વદેશ પરત નહીં ફરી શકે. ઑસ્ટ્રેલિયાએ છેલ્લા 14 દિવસ દરમિયાન ભારતમાં રહેલા પોતાના નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ દેશમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો તેને દંડ (fine) ફટકારવામાં આવી શકે છે, સાથે સાથે જેલ (Jail) પણ થઈ શકે છે. શુક્રવારે તાબડતોબ લેવામાં આવેલા આ નિર્ણયની જાણકારી અધિકારીઓએ આપી હતી.
સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હન્ટે જાણકારી આપી છે કે, આ પ્રતિબંધ ત્રીજી મેથી શરૂ થશે. તેમણે જણાવ્યું કે, પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ દંડ ભરવો પડશે, એટલું જ નહીં પાંચ વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. તેમણે કહ્યુ કે, અમે "ભારત અને અમારા ભારતીય-ઑસ્ટ્રેલિયન સમાજ સાથે છીએ. ઑસ્ટ્રેલિયામાં એ લોકોના પરિવારો પર ખૂબ મોટું જોખમ છે. દુઃખદ વાત છે કે અનેક લોકો કોવિડ-19નો શિકાર બની રહ્યા છે. દરરોજ જીવ ગુમાવી રહ્યા છે."
આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે સરકાર આ પ્રતિબંધ પર 15મી મેના રોજ પુર્નમુલ્યાંકન કરશે. ગત મંગળવારે ઑસ્ટ્રેલિયાએ ભારતથી સીધી આવતી ફ્લાઇટ્સ પર અનિશ્ચિત મુદત માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારે કોવિડ-19ના વધારે સંક્રમિત કરતા વેરિએન્ટ્સને જોતા આ નિર્ણય લીધો હતો. આ દરમિયાન ક્રિકેટર એડમ ઝમ્પા અને કેન રિચર્ડસન સહિત અન્ય નાગરિકો ઑસ્ટ્રેલિયા પરત ફર્યાં હતાં.
માર્ચ 2020માં દેશનો નાગરિક ન હોય તેવા લોકો અને સ્થાનિક નિવાસીઓ માટે સીમા બંધ કરવાથી ઑસ્ટ્રેલિયાને કોવિડ ઉપર કાબૂ મેળવવામાં ખૂબ મદદ મળી છે. આ ઉપરાંત પણ ઑસ્ટ્રેલિયાએ દેશમાં મુસાફરો માટે આકરા નિયમો બનાવ્યા છે. હવે મુસાફરોએ પોતાના ખર્ચે બે અઠવાડિયા સુધી હોટલમાં ક્વૉરન્ટીન રહેવું પડશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ નિયમને પગલે ઑસ્ટ્રેલિયાને કોવિડના કેસ ઓછા કરવામાં ખૂબ મદદ મળી છે. વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે ઑસ્ટ્રેલિયામાં અત્યારસુધી કોરોના વાયરસના 29 હજાર 809 નવા કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 900થી વધારે લોકોનાં મોત થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 297 છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર