ભોપાલમાં દિગ્વિજયની રેલીમાં પોલીસકર્મીઓ ભગવો ખેસ પહેરી નજરે પડ્યા!

રેલીમાં હાજર યુવતીઓ

એક તરફ સાધુ-સંતો કોંગ્રેસના ઝંડા સાથે રાહુલ ગાંધીના નારા લગાવી રહ્યા હતા ત્યારે બીજી તરફ અમુક લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા.

 • Share this:
  ભોપાલ : મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં કોમ્પ્યુટર બાબાએ રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન બાબાની સુરક્ષામાં પોલીસકર્મીઓ ભગવા રંગના ખેસ પહેરીને જોવા મળ્યા હતા. આ બનાવ બાદ મધ્ય પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

  આ અંગે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે ભગવો ખેસ/દુપટ્ટો પહેરેલી યુવતીઓએ અલગ અલગ જવાબ આપ્યા હતા. અમુકે કહ્યું હતું કે તેઓ પોલીસકર્મી હતી અને તેમને ભગવો દુપટ્ટો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. અમુક યુવતીઓએ કહ્યું કે તડકાથી બચવા માટે તેમણે દુપટ્ટો પહેરી રાખ્યો હતો, અમુક યુવતીઓએ આ મુદ્દાને રાજકીય રંગ ન આપવાની વાત કરી હતી. તેમની દલીલ હતી કે ભગવો રંગ રાષ્ટ્રીયતાનું પ્રતિક છે.

  દિગ્વિજયના સમર્થનમાં આજકાલ ભોપાલમાં સાધુ-સંતો કામે લાગ્યા છે. આ જ કડીમાં કોમ્પ્યુટર બાબા પણ તેમના સમર્થનમાં રેલી કરી રહ્યા છે. મંગલવારે તેમણે હજારો સાધુ સંતો સાથે ધૂન બોલી હતી તો બુધવારે તેમણે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રેલીમાં હાજર પોલીસકર્મીઓ ભગવો ખેસ પહેરીને નજરે પડ્યા હતા.

  રોડ શોમાં પહોંચેલા સાધુ સંતોએ કોંગ્રેસનો ઝંડો પકડી રાખ્યો હતો. એક તરફ સાધુ-સંતો કોંગ્રેસના ઝંડા સાથે રાહુલ ગાંધીના નારા લગાવી રહ્યા હતા ત્યારે બીજી તરફ અમુક લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન થોડી અવ્યવસ્થા પણ જોવા મળી હતી.

  ભગવા ખેસ બાદ ઉભા થયેલા વિવાદ બાદ ડીઆઈજી ઇરશાદ વાલીએ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વ્યવસ્થા માટે પોલીસે વિવિધ સંસ્થાઓ પાસેથી વોલિયન્ટર્સ (સ્વયંસેવકો)ની મદદ લીધી હતી. તેમણે કેવો પહેરવેશ પહેરવો તેમની પસંદગી તેઓ કરતા હોય છે. આ જ કારણ હતું કે આ પ્રકારનો પહેરવેશ જોવા મળ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: