Home /News /national-international /

મોહન ભાગવતના 'ત્રણ દિવસમાં સૈન્ય તૈયાર' કરવાના નિવેદન પર વિવાદ

મોહન ભાગવતના 'ત્રણ દિવસમાં સૈન્ય તૈયાર' કરવાના નિવેદન પર વિવાદ

મોહન ભાગવત (ફાઈલ તસવીર)

સંઘ પ્રમુખે કહ્યું કે, 'આરએસએસના સ્વયંસેવકો માતૃભૂમિની રક્ષા કરવા માટે હસતા મોઢે બલિદાન આપવા માટે તૈયાર રહે છે.'

    મુજફ્ફરનગરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે, જો જરૂર પડશે તો દેશ માટે લડવા માટે આરએસએસ પાસે ત્રણ દિવસમાં 'સૈન્ય' તૈયાર કરવાની ક્ષમતા છે. ભાગવતના આ નિવેદનને લઈને ધમાસણ મચી ગઈ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોહન ભાગવતના આ નિવેદન બદલ તેમની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મોહન ભાગવતનું આ નિવેદન દેશના શહીદોનું અપમાન છે. બીજી તરફ મોહન ભાગવતના ભાષણ પર સંઘે સ્પષ્ટતા કરી છે. સંઘનું કહેવું છે કે ભાગવતના નિવેદનને સંદર્ભથી પર રજુ કરવામાં આવ્યું છે.

    છ દિવસના મુજફ્ફરનગરના પ્રવાસે આવેલા મોહન ભાગવતે અંતિમ દિવસે રવિવારે સવારે જિલ્લાના સ્કૂલ મેદાનમાં આરએસએસ સ્વયંસેવકોને સંબોધન કરતા કહ્યું હતું કે, 'આર્મીને સૈનિકોને તૈયાર કરવામાં છથી સાત મહિના લાગી જશે. પરંતુ સંઘમાં સ્વયંસેવકોને લઈને આ તૈયારી ત્રણ દિવસમાં થઈ જશે. આ અમારી ક્ષમતા છે, પરંતુ અમે સૈન્ય નહીં પારિવારિક સંગઠન છીએ. પરંતુ સંઘમાં આર્મી જેવું શિસ્ત છે. જો ક્યારેક દેશને જરૂર પડશે અને બંધારણ તેની મંજૂરી આપશે તો સ્વયંસેવકો મોરચો સંભાળી લેશે.'

    સંઘ પ્રમુખે કહ્યું કે, 'આરએસએસના સ્વયંસેવકો માતૃભૂમિની રક્ષા કરવા માટે હસતા મોઢે બલિદાન આપવા માટે તૈયાર રહે છે. મુશ્કેલીના સમયમાં સ્વયંસેવકો હરપળ હાજર રહે છે.' ભાગવતે ભારત-ચીન યુદ્ધની ચર્ચા કરતા કહ્યું કે જ્યારે ચીને હુમલો કર્યો હતો ત્યારે સંઘના સ્વયંસેવકો સીમા પર આર્મીના આવવા સુધી ત્યાંથી હટ્યા ન હતા.

    ભાગવતે કહ્યું, 'સ્વયંસેવકોએ નક્કી કર્યું હતું કે જો ચીનની સેના આવશે તો તેને પ્રતિકાર વગર અંદર ઘૂસવા નહીં દે. સ્વયંસેવકોને જે જવાબદારી મળે છે તેને તેઓ સારી રીતે નિભાવે છે.'

    રાહુલ ગાંધીનો ભાગવત પર હુમલો

    રાહુલ ગાંધીએ સોમવારે ભાગવતના નિવેદનને વખોડતા ટ્વિટ કર્યું કે, 'આરએસએસ પ્રમુખનું આ નિવેદન દરેક ભારતીયનું અપમાન છે. તેમણે દેશ માટે જીવ આપી દેનારનું અપમાન કર્યું છે. આ દેશના ઝંડાનું પણ અપમાન છે. કારણ કે તિરંગાને સલામી આપનાર સૈનિકનું અપમાન કરવામાં આવ્યું છે. ભાગવતને સૈન્ય અને શહીદોના અપમાન બદલ શરમાવવું જોઈએ.'

    તો રાજદના પ્રદેશ પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ ભાગવતના નિવેદનને સૈન્યનું અપમાન અને તેમનું મનોબળ તોડતું ગણાવીને માફી માંગવાનું કહ્યું છે.

    સંઘનો ખુલાસો

    મોહન ભાગવતના નિવેદન પર સંઘે ખુલાસો આપતા કહ્યું છે કે, 'મોહન ભાગવત સૈન્યની સરખામણી આરએસએસ સાથે નહોતા કરી રહ્યા. જોકે, તેમણે નિવેદન કર્યું હતું કે આર્મી સૈનિકોને તાલિમ આપવામાં છ મહિના લે છે. આરએસએસ ટ્રેનિંગ આપે તો ત્રણ દિવસમાં સ્વયંસેવક તૈયાર થઈ શકે છે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mohan Bhagvat, RSS, Three Days, રાહુલ ગાંધી, વિવાદ

    આગામી સમાચાર