પીવી રમના કુમાર, હૈદારાબાદ : 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી'. આ કહેવતને યથાર્થ ઠેરવતો એક બનાવ તેલંગાણામાં બન્યો છે. અહીં માથાથી જોડાયેલી બે જોડિયા બહેન વીણા અને વાણીએ ધોરણ-10ની પરીક્ષા પાસ કરી છે. જેમાંથી વીણાએ 10માંથી 9.3 ગ્રેડ અને વાણીએ 9.2 ગ્રેડ મેળવ્યા છે. બંનેએ મધુર નગરની પ્રતિભા સ્કૂલમાં અલગ અલગ પરીક્ષા આપી હતી. બંનેએ ત્રણ પેપર લખ્યા હતા. જે બાદમાં સરકારે કોવિડ 19ની મહામારીને કારણે બાકીને પેપર રદ કરી નાખ્યા હતા.
તાજેતરમાં શૈક્ષણિક બોર્ડ તરફથી 5.34 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના અગાઉના દેખાવ ઉપરથી તેમને ગ્રેડ આપવામાં આવ્યો છે. પરીક્ષા પાસ કરવા બાબતે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા વીણા અને વાણીએ જણાવ્યું હતું કે, "અમે ધોરણ-10ની પરીક્ષા પાસ કરી છે તેનો ખૂબ આનંદ છે. સરકારનો પણ આભાર કે અમારા માટે વ્યવસ્થા કરવામાં આવી. હાલ અમે ભવિષ્યમાં શું બનવું છે તેના વિશે વિચાર્યું નથી."
વીણા અને વાણીના પિતા મુરલીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું મારી બંને દીકરીઓને સારા પદ પર જોવા માંગું છું. મારું માનું છે કે બંનેએ આઇટી પ્રોફેશનલ બનવું જોઈએ. આવું થઈ શકે તો બંને સાથે રહી શકે અને કમાણી પણ કરી શકે."
નોંધનીય છે કે તેલંગાણા સરકારે વીણા અને વાણીના અભ્યાસ માટે ખાસ વ્યવસ્થા કરી છે. ડિસેમ્બર, 2019માં જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારને એક પત્ર લખીને આ બંને બહેનોને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે સલાહ માંગી હતી.
આ કેસમાં સરકારે ખાસ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે બંને બહેનનો પરીક્ષાનો નંબર એક જ ક્લાસમાં આવે. કારણ કે સામાન્ય રીતે જમ્પિંગ સિસ્ટમ પ્રમાણે એક બહેનનો નંબર બીજા ક્લાસમાં અને બીજી બહેનનો નંબર બીજા ક્લાસમાં આવે તો બંને માથાથી જોડાયેલી હોવાથી પરીક્ષા ન આપી શકે. જે બાદમાં તંત્રએ એક જ સેન્ટરમાં બંને બહેનો માટે અલગ અલગ પેપર સેટની વ્યવસ્થા કરી હતી. જોકે, બોર્ડ તરફથી તેમને કોઈ અન્ય વ્યક્તિની મદદ લેવાની સલાહ પણ આપવામાં આવી હતી પરંતુ બંનેએ ઇન્કાર કરી દીધો હતો.
વીણા અને વાણી બંને જન્મથી માથાના ભાગથી જોડાયેલી છે. જોકે, બંનેના દિમાગ અલગ અલગ છે. મહાબુબાબાદ જિલ્લાના બીરીશેટ્ટીગુડેમ ગામમાં મુરલી અને નાગાલક્ષ્મીના ઘરે વર્ષ 2002માં વીણા અને વાણીનો જન્મ થયો હતો. બાળપણથી જ હૈદરાબાદની નિલોફર હૉસ્પિટલ ખાતે બંનેની સારવાર ચાલી રહી છે. વર્ષ 2017માં બંનેને મહિલા વિકાસ અને બાળ કલ્યાણ વિભાગના સ્ટેટ હોમમાં ખસેડવામાં આવી હતી. વાણી અને વીણાના માતાપિતા એટલા ગરીબ છે કે તેની સંભાળી રાખી શકવા માટે અસમર્થ છે.
બંને બહેનોને અલગ કરવા માટે વર્ષોથી ભારત, યુકે, સિંગાપોરના ડૉક્ટરોની ટીમ તેઓને તપાસી ચુકી છે. બંને બહેનોને સર્જરી કરીને અલગ કરવા માટે આશરે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. આ મામલે બંને બહેનોના માતાપિતા તેલંગાણા સરકારને વિનંતી કરી ચૂક્યા છે. વર્ષ 2016માં દિલ્હીની પ્રસિદ્ધ એઇમ્સના એક ડૉક્ટરે વીણા અને વાણીના માતાપિતાને બંને બહેનોને અલગ કર્યા બાદની સ્થિતિ વિશે વાકેફ કર્યાં હતાં. જેમાં મોતનું જોખમ પણ રહેલું હતું. જે બાદમાં વીણા અને વાણીના માતાપિતાએ તેમની બંને દીકરીઓ આવી જ રીતે જીવે તેવું નક્કી કર્યું હતું.
બંને દીકરીના પિતા મુરલી કહે છે કે, "અમારી બંને દીકરીઓ મેડિકલ વિજ્ઞાન માટે એક પડકાર છે. અમે બધી આશા ગુમાવી બેઠા છીએ."
-PV Ramana Kumar, News18.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર