ડેટા ચોરી મામલે ભાજપે ઘેરતા ડિલીટ થઈ કોંગ્રેસની એપ્લિકેશન

 • Share this:
  વડાપ્રધાન પર નમો એપ્લિકેશન મારફતે ડેટા ચોરી કરવાનો આરોપ લગાવનાર ખુદ કોંગ્રેસ આ મુદ્દે ફસાતી નજરે પડી રહી છે. બીજેપીના સોશિયલ મીડિયા હેડ અમિત માલવીયના ટ્વિટ બાદ કોંગ્રેસની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડિલીટ થઈ ગઈ છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે કોંગ્રેસે તેને હટાવી છે કે કોઈ અન્ય કારણથી એપ્લિકેશન હટી ગઈ છે. અમિત માલવીયએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ તેની ઓફિશિયલ એપનો ઉપયોગ કરનાર યુઝર્સનો ડેટા સિંગાપોર મોકલી રહી છે.

  માલવીયએ ટ્વિટ કર્યું હતું કે, 'મારું નામ રાહુલ ગાંધી છે. હું ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટીનો અધ્યક્ષ છું. જ્યારે તમે અમારી ઓફિશિયલ એપ્લિકેશન પર લોગીન કરો છો ત્યારે હું તમારી તમામ માહિતી મારા મિત્રને સિંગાપોર મોકલું છું.'

  નોંધનીય છે કે રવિવારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમની નમો એપ્લિકેશન પર લોગીન કરતા લોકોનો ડેટા અમેરિકા મોકલવામાં આવે છે. રાહુલ ગાંધીએ આ વાત ફ્રેંચ સંશોધક ઇલિયટ એલ્ડરસનના હવાલેથી કરી હતી. જેમણે દાવો કર્યો છે કે જે લોકોએ નમો એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તેમની તમામ વિગત તેમની જાણ બહાર અમેરિકાની કંપની 'ક્વીવર ટેપ'ને મોકલવામાં આવે છે.

  અમિત માલવીયએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'બિનજાહેર વેન્ડર્સ અને અજાણ્યા સ્વયંસેવકોને પોતાનો ડેટા આપવાના મામલે કોંગ્રેસને ફુલ માર્ક્સ.'

  તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, 'સોનિયા ગાંધીના 'પૂરા પાવર, કોઈ જ જવાબદારી નહીં'થી પ્રેરણા લઈને કોંગ્રેસ તમારો સંપૂર્ણ ડેટા લઈ લેશે અને કેમ્બ્રિજ એનાલિટિકા જેવી કોઈ સંસ્થા સાથે શેર કરશે. પરંતુ તે આમાં કોઈ જવાબદારી નહીં લે. તેમને પોતાની પોલીસી તો એવું જ કહે છે.'

  બીજેપી અને કોંગ્રેસ સતત એકબીજા પર કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજેપીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તેમણે ગુજરાતની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે બ્રિટિશ એનાલિટિકાની મદદ લીધી હતી. તો કોંગ્રેસે આ આક્ષેપ પર જવાબ આપતા કહ્યું હતું કે શું બીજેપી બ્રિટિશ એનાલિટિકા તેમજ ભારતમાં તેની પાર્ટનર ઓવેલેનો બિઝનેસ ઇન્ટેલિજન્સ સામે એફઆઈઆર દાખલ કરાવશે? રાહુલ ગાંધીએ આ અંગે કહ્યું કે મોદી સરકાર ઇરાકમાં માર્યા ગયેલા 39 ભારતીયો પરથી ધ્યાન હટાવવા માંગે છે.

  નોંધનીય છે કે ભારતે કેમ્બ્રિજ એનાલિટિકાને નોટિસ મોકલી છે, તેમજ પોતાના ક્લાયન્ટ તેમજ સોર્સનું નામ જણાવવા માટે 31મી માર્ચ સુધીનો સમય આપ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: