લખનઉ : પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળી રહેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ને ટૂંક સમયમાં સમગ્ર રાજ્યનું સુકાન સોંપવામાં આવી શકે છે. પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કોંગ્રેસ પ્રભારી બનાવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, પ્રદેશ સ્તરીય કોંગ્રેસ નેતાઓની સાથે બેઠક બાદ રણનીતિ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનું સુકાન સોંપવામાં આવ્યું હતું. બીજી તરફ, પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ને આપવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસની ઉત્તર પ્રદેશની તમામ જિલ્લા સમિતિઓ ભંગ કરી દેવામાં આવી હતી. ત્યારબાદથી જ પાર્ટીમાં ફેરફારની કવાયત ચાલી રહી હતી. લગભગ ત્રણ મહિના બાદ હવે તેને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ વખતે પ્રદેશ કોંગ્રેસ કમિટીને નાની રાખવામાં આવશે અને પહેલાની તુલનામાં ઘણા ઓછા સભ્ય હશે.
આ ઉપરાંત કોંગ્રેસ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું નામ પણ જાહેર કરશે. પાર્ટીની આ કવાયતને 2022 વિધાનસભા ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવે છે. નોંધનીય છે કે મે મહિનામાં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીમાં અનેકવાર કહ્યું હતું કે આપણે આવનારી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન આપવાની જરૂર છે. ઉત્તર પ્રદેશમાં તેમની સક્રિયતા અને પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં થનારા સંભવિત ફેરફારને તેના સાથે જોડવામાં આવી રહ્યા છે.