Home /News /national-international /રાજકારણી છું, નર્મદા પરિક્રમા પછી પકોડા નથી તળવાનોઃ દિગ્વિજય સિંહ

રાજકારણી છું, નર્મદા પરિક્રમા પછી પકોડા નથી તળવાનોઃ દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહ પત્ની અમૃતા સાથે

'હું એક રાજકારણી છું. હું આ ધાર્મિક યાત્રા પછી કોઈ પકોડા નથી તળવાનો.'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજકાલ ભલે આધ્યાત્મિક નિષ્ઠાથી નર્મદા મૈયાની પરિક્રમા કરી રહ્યા હોય પરંતુ તેનો મતલબ એવો નથી કે તેમણે રાજકારણમાંખી બિસ્તરા-પોટલાં બાંધી લીધા છે. 2400 કિલોમીટરની પગપાળા પરિક્રમા પૂરી કર્યા બાદ જબલપુર પહોંચેલા દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું છે કે, 'હું એક રાજકારણી છું. હું આ ધાર્મિક યાત્રા પછી કોઈ પકોડા નથી તળવાનો.'

આવું કહીને દિગ્ગી રાજાએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યા. તેમના આવા નિવેદનથી એવા લોકો ચોક્કસ નિરાશ થયા છે જેઓ માની રહ્યા હતા કે તેઓ રાજકારણમાંથી હવે નિવૃત્તિ લઈ રહ્યા છે, અને તેમની જગ્યાએ હવે તેમનો મોકો મળી શકે છે. નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં નવેમ્બર 2018 સુધી ચૂંટણી યોજાવાની છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દિગ્વિજય સિંહ નર્મદા પરિક્રમાના માધ્યમથી મધ્ય પ્રદેશમાં પોતાની રાજકીય તાકાત વધારી રહ્યા છે. જે રીતે તેમની પરિક્રમામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે તેમનો પ્રભાવ ફરીથી સ્થાપિત થઈ રહ્યો છે. પરિક્રમા દરમિયાન વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટના દાવેદારો પણ ઉમટી પડે છે.

જોકે, ખુદ દિગ્વિજય સિંહ પરિક્રમા દરમિયાન કોઈ રાજકીય ભાષણ નથી આપી રહ્યા કે ન તો કોઈ રાજકીય મુદ્દા સાથે જોડાઈ રહ્યા છે. આમ છતાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે દિગ્વિજય સિંહ હવે પ્રદેશના રાજકારણમાં મુખ્યમંત્રીના દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.

રાજકીય કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ

2018ની ચૂંટણીને દિગ્વિજય સિંહ માટે રાજકીય કારકિર્દીના ટર્નિંગ પોઇન્ટ તરીકે જોવામાં આવી રહી છે. તેઓ પોતાની છાપને બદલી રહ્યા છે તેમજ એક ઉદારવારી હિન્દુ નેતા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે. કોગ્રેસ પક્ષમાં જ જે લોકો એવું કહી રહ્યા હતા કે દિગ્વિજયસિંહ કાર્યકરોના નેતા છે, જનતાના નહીં તેમના માટે આ વાત ઝટકા સમાન સાબિત થઈ રહી છે. આ પરિક્રમા તેમને લોકો વચ્ચે એક હિન્દુ નેતા તરીકે સ્થાપિત કરી રહી છે.

બીજી યાત્રાની તૈયારી

દિગ્વિજયના નજીકના વરિષ્ઠ નેતા મહેશ જોશી પણ એવું માને છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગી રાજા મહત્વની ભૂમિકા નિભાવશે. તેમની નર્મદા પરિક્રમા કોંગ્રેસ કાર્યકરોને બહાર લાવી રહી છે. આ કોંગ્રેસની વાપસીના સંકેત છે. તેઓ દિગ્વિજયની આ પરિક્રમાનો શ્રેય તેમની પત્ની અમૃતા સિંહને આપતા કહે છે કે, આટલી વિષમ પરિસ્થિતિમાં તેમણે તેના પતિને સાથ આપ્યો છે તે ખરેખર પ્રશંસનિય વાત છે. તેમના સહકાર વગર દિગ્વિજય આ યાત્રા ન કરી શક્યા હોત. દિગ્વિજયસિંહ હવે પરિક્રમા બાદ બીજી યાત્રાની તૈયારી કરી રહ્યા છે. જે પ્રદેશના દરેક જિલ્લામાં જશે, આ યાત્રા લોકો સાથે સંવાદની યાત્રા હશે.

ઉભા થયા નવા રાજકીય પેચ

આ પરિક્રમાને કારણે બીજા અનેક રાજકીય પેચ ઉભા થતા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્યનો રાજકીય પથ મુશ્કેલ બનતો જઈ રહ્યો છે. તો વરિષ્ઠ નેતા કમલનાથને પણ સત્તા નથી સોંપવામાં આવી. કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે.
First published:

Tags: Congress Leader, Pakoda, રાજકારણ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો