Congress Bharat Jodo Yatra: 'ભારત જોડો યાત્રા' 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને હવે પંજાબ પહોંચી છે. પંજાબ બાદ આ યાત્રા હિમાચલ પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીર જશે. આ યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂરી થશે.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 30 જાન્યુઆરીએ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ના સમાપન કાર્યક્રમમાં ભાગ લેવા માટે 21 સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોના પ્રમુખોને પત્ર લખ્યો છે. જોકે, કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) અને AIUDFના વડા બદરુદ્દીન અજમલને આમંત્રણ આપ્યું નથી. તેમણે આ પક્ષોના વડાઓને લખેલા પત્રમાં એમ પણ કહ્યું હતું કે, તેમની હાજરી યાત્રાના સત્ય, કરુણા અને અહિંસાના સંદેશને મજબૂત બનાવશે.
ખડગેએ કહ્યું કે, “હું તમને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં 'ભારત જોડો યાત્રા'ના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપું છું. આ કાર્યક્રમ મહાત્મા ગાંધીની સ્મૃતિને સમર્પિત છે જેમણે આ દિવસે નફરત અને હિંસાની વિચારધારા સામે તેમના અથાક સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ખડગેએ કહ્યું કે, "આ કાર્યક્રમમાં, અમે નફરત અને હિંસા સામે લડવા, સત્ય, કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવવા અને તમામ માટે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈશું."
યાત્રા લોકોને જોડી રહી છે
તેમણે કહ્યું કે, “જ્યારે આપણો દેશ સંકટનો સામનો કરી રહ્યો છે, લોકોના મુદ્દાઓ પરથી વ્યવસ્થિત રીતે ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ યાત્રા એક શક્તિશાળી અવાજ તરીકે ઉભરી આવી છે. હું આશા રાખું છું કે તમે હાજર રહી આ સંદેશને મજબૂત કરશો. ખડગેએ દાવો કર્યો હતો કે, જ્યારે દેશ આર્થિક, સામાજિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે અને સંસદ અને મીડિયામાં વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે, તે સમયે યાત્રા લોકોને જોડે છે.
જે પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં TMC, JDU, SS, TDP, નેશનલ કોન્ફરન્સ, SP, BSP, DMK, CPI, CPI(M), JMM, RJD, RLSP, HAM, PDP, NCP, MDMK, VCK, IUML, KSM અને RSP ના નામો સામેલ છે. 'ભારત જોડો યાત્રા' 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને હવે પંજાબ પહોંચી છે. પંજાબ બાદ આ યાત્રા હિમાચલ પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીર જશે. આ યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂરી થશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર