ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા મક્કમ છે. આ દરમિયાન કોંગ્રેસે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્યની પ્રદેશ કમિટીઓને ભંગ કરી દીધી છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપના હાથે મળેલી કારમી હાર બાદ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામની જાહેરાત કરી હતી. પાર્ટીએ તેમને મનાવવાના તમામ પ્રયાસ કર્યા, પરંતુ રાહુલ ગાંધી પોતાની જીદ પર મક્કમ છે. માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા સહિત સીનિયર નેતાઓ દ્વારા સમજાવ્યા બાદ અંતે રાહુલ એક મહિના માટે અધ્યક્ષ ચાલુ રહેવા રાજી થઈ ગયા. પરંતુ, આ દરમિયાન તે પાર્ટીની કોઈ પણ મીટિંગમાં સામેલ નહોતા થયા. મોટા નિર્ણયોથી પણ અંતર રાખ્યું છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 52 સીટો જીતી, જે 2014ની ચૂંટણીથી થોડીક જ સીટો વધુ છે. આટલી ઓછી સીટો જીતવાના કારણે કોંગ્રેસ લોકસભામાં વિપક્ષના નેતા પણ નક્કી નથી કરી શકી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોંગ્રેસ કાર્યસમિતિએ (CWC) અધ્યક્ષ પર પર સંભવિત નામ ફાઇનલ કરી દીધા છે. તેને લઈને ટૂંક સમયમાં જ CWCની મીટિંગ થશે, જેમાં છેલ્લી વાર રાહુલ ગાંધીને રાજીનામું ન આપવા અંગે સમજાવવામાં આવશે. ત્યારબાદ પણ જો તેઓ નહીં માને તો નવા અધ્યક્ષનું નામ ફાઇનલ કીર દેવામાં આવશે. કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે અનેક સીનિયર નેતાઓના નામ ચર્ચામાં છે. તેમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ સૌથી આગળ હોવાનું ચર્ચાય છે.
અધ્યક્ષ માટે શોર્ટલિસ્ટ કર્યા આ નામ
કોંગ્રેસના સૂત્રો મુજબ, નવા અધ્યક્ષની રેસમાં સુશીલ કુમાર શિંદે, મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, અશોક ગેહલોત અને સચિન પાયલટના નામો અંગ પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો સંગઠનની સાથે કામ કરવાના અનુભવને આધારકે પાર્ટીએ અશોક ગેહલોતના નામ પર મહોર મારવા મન મનાવી લીધું છે. હવે ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.