Home /News /national-international /કોંગ્રેસ લાગુ કરી શકે છે 'એક પરિવાર, એક ટિકિટ'નો નિયમ, ગાંધી પરિવાર પર શું પડશે અસર? અહીં જાણો

કોંગ્રેસ લાગુ કરી શકે છે 'એક પરિવાર, એક ટિકિટ'નો નિયમ, ગાંધી પરિવાર પર શું પડશે અસર? અહીં જાણો

કોંગ્રેસ એક ફેમિલી એક ટિકિટ

Congress One Family One Ticket : પાર્ટીના મહાસચિવ અજય માકન (ajay maken) ના જણાવ્યા અનુસાર, ચિંતન શિબિરમાં એક પરિવાર, એક ટિકિટનો પ્રસ્તાવ ચર્ચા માટે આવ્યો છે. કોંગ્રેસ (Congress) પાસે પોતાનું પબ્લિક ઇનસાઇટ ડિમાર્ટમેન્ટ હોવું જોઈએ તેવી ચર્ચા થઈ છે

વધુ જુઓ ...
  કોંગ્રેસ (Congress)માં પરિવારવાદ હોવાના અનેક આક્ષેપ થયા છે. પાર્ટીની લગામ ગાંધી પરિવાર (Gandhi family)ના સભ્યના જ હાથમાં રહેતી હોય છે. ત્યાં હવે કોંગ્રેસ એક પરિવાર એક ટિકિટની વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર કરી રહી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ પ્રસ્તાવ પર સહમતિ સધાઈ તો જ તેનો અમલ થશે. આ સાથે કોઈ પરિવારનો બીજો સભ્ય ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી પાર્ટી માટે કામ કરે તો તે ટિકિટ માટે લાયક રહેશે તેવી જોગવાઈ પણ કરવામાં આવશે.

  આ બાબતે પાર્ટીના મહાસચિવ અજય માકનના જણાવ્યા અનુસાર, ચિંતન શિબિરમાં એક પરિવાર, એક ટિકિટનો પ્રસ્તાવ ચર્ચા માટે આવ્યો છે. નવસંકલ્પ ચિંતન શિબિરના આરંભ પૂર્વે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક મોટા પરિવર્તન તરફ ધ્યાન આપી રહી છે અને સંગઠનની વિવિધ સમિતિઓમાં યુવાનો માટે 50 ટકા જગ્યા અનામત રાખવા, સ્થાનિક સ્તરે મંડલ સમિતિઓની રચના કરવા, પદાધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવા માટે મૂલ્યાંકન એકમની રચના કરવા અને કોઈ એક પદ પર વ્યક્તિ સતત પાંચ વર્ષથી વધુ સમય ન રહે તેવી સિસ્ટમ નક્કી કરવા સહિતની દરખાસ્તો પર વિચાર કરી રહી છે.

  તેમણે વધુમાં કહ્યું કે, આ ચિંતન શિબિર બાદ સંગઠનમાં મોટો ફેરફાર થશે. અમારું માનવું છે કે, બદલાતા સમયની સાથે સંગઠનનું માળખું બદલાયું નથી. કામગીરીનું માળખું હજી જૂનું છે અને તેમાં કોઈ આમૂલ પરિવર્તન આવ્યું નથી.

  ચિંતન શિબિર માટે રચાયેલી સંગઠન અંગેની સંકલન સમિતિના સભ્ય માકને જણાવ્યું હતું કે, બ્લોક અને પોલિંગ બૂથ વચ્ચે મંડલ સમિતિઓની રચના કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. દરેક બ્લોક કમિટી હેઠળ ત્રણથી પાંચ વિભાગીય સમિતિઓની રચના કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. દરેક મંડલ સમિતિ હેઠળ 15 થી 20 બૂથ હશે. શિબિરમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવશે.

  તેમણે કહ્યું કે, એક પરિવાર, એક ટિકિટ પર ચર્ચા થઈ છે. આના પર સહમતિ છે. તેમાં એવી પણ જોગવાઈ હશે કે, પરિવારની અન્ય વ્યક્તિને ટિકિટ મેળવવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી પાર્ટી માટે કામ કરવું પડશે. એવું ન થવું જોઈએ કે, કોઈ વૃદ્ધ નેતાનો પુત્ર અચાનક ચૂંટણી લડે. જો કોઈને ચૂંટણી લડવી હોય તો તેણે સંગઠન માટે પોતાના પાંચ વર્ષ આપવા પડશે.

  જો કોંગ્રેસનો એક પરિવાર, એક ટિકિટનો પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો પ્રિયંકા ગાંધી વાડ્રા માટે ગાંધી-નહેરુ પરિવાર તરફથી રાહુલ ગાંધીની સાથે આગામી લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે, કારણ કે પ્રિયંકાએ 2019ની શરૂઆતમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પુત્ર વૈભવ ગેહલોતને સાથે મળીને ચૂંટણી લડવામાં કોઇ મુશ્કેલી નહીં પડે, કારણ કે વૈભવ છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટી સંગઠન સાથે જોડાયેલો છે.

  માકને કહ્યું, એક સૂચન એ પણ છે કે કોઈ પણ વ્યક્તિ પાંચ વર્ષથી વધુ સમય કોઈ પદ પર ન રહે. જો તેને આ પદ પર પાંચ વર્ષથી વધુ સમય સુધી રહેવું હોય તો તેના માટે ત્રણ વર્ષનો કૂલિંગ પિરિયડ હોવો જોઈએ અને પછી તે તે પોસ્ટ પર આવી શકે છે.

  પાયાના સ્તરે સર્વેક્ષણો અને આવી અન્ય પ્રવૃત્તિઓ માટે પાર્ટીમાં પબ્લિક ઇનસાઇટ ડિપાર્ટમેન્ટ બનાવવાની પણ દરખાસ્ત છે. અમે હંમેશાં ચૂંટણી માટે સર્વેક્ષણ એજન્સીઓની સેવાઓ લઈએ છીએ. કોંગ્રેસ પાસે પોતાનું પબ્લિક ઇનસાઇટ ડિમાર્ટમેન્ટ હોવું જોઈએ તેવી ચર્ચા થઈ છે. ચૂંટણી સમયે જ નહીં પરંતુ હંમેશા જનતાના પ્રશ્નોને યોગ્ય રીતે સમજી શકાય તે માટે સર્વે કરવા જોઇએ.

  માકને વધુમાં ઉમેર્યું કે, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જે પદાધિકારી સારું કામ કરે છે તેને ઈનામ મળતું નથી. આ માટે માપદંડ નક્કી કરવા માટે અલગથી એસેસમેન્ટ યુનિટ બનાવવા પર સહમતિ બની રહી છે. આ અંતર્ગત એવું સૂચન કરવામાં આવ્યું છે કે, જે લોકો સારું કામ કરી રહ્યા છે તેમને પ્રમોશન આપવામાં આવે અને જે લોકો સારું કામ નથી કરી રહ્યા તેમને પદ પર રાખવામાં ન આવે. સ્થાનિક સમિતિથી લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટી સુધી સંગઠનની દરેક સમિતિમાં 50 ટકા બેઠકો 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

  આ પણ વાંચોઅલ્હાબાદ હાઈકોર્ટે તાજમહેલના 22 રૂમ ખોલવાની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું- આ કોર્ટની બહારનો કેસ છે

  ચિંતન શિબિર માટે રચાયેલી રાજકીય બાબતોની સંકલન સમિતિના વડા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા બંધારણીય મૂલ્યો પરના હુમલા અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ શિબિરમાં મુખ્યત્વે કોંગ્રેસ તમામ પડકારોનો રાજકીય અને સંગઠનાત્મક રીતે કેવી રીતે પ્રતિસાદ આપશે તે અંગે ચર્ચા કરવામાં આવશે.
  First published:

  Tags: Congress candidates, Congress leaders, Congress News, Priyanka gandhi, Rahul gandhi latest news, કોંગ્રેસ, કોંગ્રેસ પાર્ટી

  विज्ञापन
  विज्ञापन