દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત બગડી, તાવની ફરિયાદ બાદ કરાશે Corona ટેસ્ટ

તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ બાદ અરવિંદ કેજરીવાલ સેલ્ફ-આઇસોલેશનમાં

તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ બાદ અરવિંદ કેજરીવાલ સેલ્ફ-આઇસોલેશનમાં

 • Share this:
  નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ની તબિયત બગડી ગઈ છે. તાવ અને ગળામાં તકલીફ થયા બાદ તેમનો હવે COVID-19 ટેસ્ટ કરાવવામાં આવશે. મળતી જાણકારી મુજબ, મુખ્યમંત્રી કેજરીવાલને રવિવારથી જ તાવ આવી રહ્યો છે. આ કારણે તેમણે બપોરે યોજાતી મીટિંગ પણ રદ કરી દીધી હતી. તેઓએ પોતાને આઇસોલેટ પણ કરી દીધા છે.

  નોંધનીય છે કે, કેજરીવાલ રોજ બપોરે દિલ્હીમાં કોરોના મામલાને લઈને જાતે મીડિયા સાથે વાત કરતા રહે છે. પરંતુ થોડા દિવસથી તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ બાદ આજે તેઓએ બપોરે યોજાતી મીટિંગથી પોતાને અલગ કરી દીધા. દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસોની વચ્ચે મુખ્યમંત્રીની પણ તબિયત ખરાબ થવાના સમાચારથી દિલ્હી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગમાં ચિંતાનું કારણ ઊભું થયું છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની તબિયતને લઈ સતર્કતા રાખવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, કોરોનાથી મોત થતાં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો, વીડિયો થયો વાયરલ

  ઉલ્લેખનીય છે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને આઇસોલેશનમાં જવાનો આ ત્રીજો મામલો છે. આ પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની કેબિનેટના એક મંત્રી કોરોના પોઝિટિવ આવતા મુખ્યમંત્રી સહિત અન્ય 3 મંત્રીઓને સેલ્ફ ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે એપ્રિલમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાત દિવસ સેલ્ફ-આઇસોલેશનમાં રહ્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે થયેલી મીટિંગ બાદ ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગુજરાતના મુખ્યમંત્રીને સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડ્યું હતું.

  દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધતા જઈ રહ્યા છે. લૉકડાઉનમાં છૂટ આપ્યા બાદથી રોજ 24 કલાકના જાહેર થતાં આંકડાઓમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રવિવારે જાહેર આંકડાઓ મુજબ, દેશની રાજધાનીમાં 1282 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 28,936 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, હાલ દિલ્હીમાં વાયરસના 17,125 એક્ટિવ કેસ છે, જેમની વિવિધ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અત્યાર સુધી કુલ 10,999 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

  આ પણ વાંચો, કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યાના બીજા જ દિવસે યુવા પત્રકારનું કરૂણ મોત
  Published by:Mrunal Bhojak
  First published: