ભારતમાં મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઇ) સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી મહાભિયોગની અરજી રદ થઈ ગઈ છે. પાંચ જજોની બંધારણીય બેંચે આ નિર્ણય લીધો હતો, બાદમાં કોંગ્રેસના સીનિયર નેતા તેમજ વકીલ કપિલ સિબ્બલે પોતાની અરજી પરત ખેંચી લીધી હતી.
આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, 'અમે સુપ્રીમ કોર્ટને સાત સવાલ પૂછ્યા હતા, પરંતુ અમને એકનો પણ જવાબ નથી મળ્યો. આ માટે જ અરજી પરત ખેંચી લેવામાં આવી છે.' તેમણે કહ્યું, 'વિપક્ષને સીજેઆઈ સામે કોઈ વ્યક્તિગત દુશ્મની કે કોઈ વાંધો નથી. આ કેસ કાયદાકીય વ્યવસ્થાનો છે. આ કેસ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરીમાનું રક્ષણ કરવાનો છે. સરકાર અમારા પર ખોટા આરોપ લગાવી રહી છે.'
સિબ્બલે સુપ્રીમ કોર્ટને પૂછ્યા સાત સવાલઃ
1. અરજીને હજુ સુધી નંબર નથી મળ્યો. દાખલ નથી થઈ. રાતોરાત આ બેંચ કોણે બનાવી? 2. સુપ્રીમ કોર્ટમાં કયા વહીવટી આદેશ અતંર્ગત અરજીની સુનાવણી માટે પાંચ જજની બેંચ બનાવવામાં આવી હતી? 3. દરેક બેંચના ગઠનનો આદેશ કરવામાં આવે છે. મહાભિયોગની સુનાવણી માટે બેંચની રચના કરવામાં આવી તો તેની કોપી કેમ ન આપવામાં આવી? 4. ચીફ જસ્ટિસ આ કેસમાં વહીવટી કે ન્યાયિક સ્તર પર કોઈ આદેશ જાહેર ન કરી શકે તો, આ કેસમાં આવું કેમ થયું? 5. જ્યારે કાયદા પર કોઈ સવાલ ઉઠે છે ત્યારે કોઈ કેસને બંધારણીય બેંચને રિફર કરવામાં આવે છે. અહીં કાયદાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. છતાં આવું કેમ કરવામાં આવ્યું? 6. ન્યાયિક આદેશ અતંર્ગત જ બંધારણીય બેંચને કોઈ અરજી મોકલવામાં આવે છે, વહીવટી આદેશ દ્વારા આવું નથી કરી શકાતું. આ કેસમાં આવું કેમ થયું? 7. રાજ્યસભાના અધ્યક્ષ ફક્ત એવા આધાર પર મહાભિયોગ પ્રસ્તાવ રદ ન કરી શકે કે ગેરવર્તન સાબિત નથી થયું. આ અંગે શું કહેશો?
એટર્ની જનરલે પણ ઉઠાવ્યા સવાલ
સુપ્રીમ કોર્ટમાં મહાભિયોગની અરજીની સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. તેમણે વિપક્ષ તરફથી રજૂ થયેલા સિબ્બલને સવાલ કરતા કહ્યું કે, 'મહાભિયોગની નોટિસ પર કોંગ્રેસ સહિત સાત રાજકીય પક્ષના 64 જેટલા સાંસદોએ સહી કરી હતી તો પછી ફક્ત બે જ સાંસદોએ અરજી કેમ દાખલ કરી? અન્ય છ રાજકીય પક્ષોએ ઉપરાષ્ટ્રપતિના આદેશનો સ્વીકાર કરી લીધો હતો. વિપક્ષ આ અંગે શું કહેશે?'
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર