નવી દિલ્હીઃ સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટના જજ બૃજગોપાલ હરકિશન લોયાના રહસ્યમય મોત અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ અંગે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં બેંચે કહ્યું કે, જજ લોયાનો કેસ ખૂબ જ મહત્વનો છે. આ કેસને સંપૂર્ણ નિષ્પક્ષ રીતે જોવો જોઈએ.
બેંચે આ કેસ સંબંધીત બે અરજીને બોમ્બે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરી છે. કેસની આગામી સુનાવણી બીજે ફેબ્રુઆરીના રોજ થશે. બેંચે કહ્યું કે આગામી સુનાવણીમાં જજ લોયાનાં મોત સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો ચકાસવામાં આવશે.
સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે, મીડિયા રિપોર્ટ્સ બાદ સાવધાનીપૂર્વક અને વિવેકપૂર્ણ રીતે આ કેસની તપાસ કરવામાં આવી હતી. ચારેય જ્યુડિશિયલ ઓફિસર્સે પણ તાપસની નિષ્પક્ષતાને લઈને ભરોસો આપ્યો છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઈટ પર મંગળવારે મોડી સાંજે એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે જસ્ટિસ બીએચ લોયાનાં મોત સાથે જોડાયેલી અરજીઓ યોગ્ય બેંચ સામે રાખવામાં આવવી જોઈએ. તેના પરથી
સ્પષ્ટ થઈ ગયું હતું કે, જસ્ટિસ અરુણ મિશ્રા આ કેસની સુનાવણી નહીં કરે.
નોંધનીય છે કે જજ લોયાનું મોત વર્ષ 2014માં કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આ વખતે તેઓ ખૂબ જ સંવેદનશીલ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટના ચાર જજોએ 12મી જાન્યુઆરીના રોજ કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં લોયાના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાદમાં સમાચાર આવ્યા હતા કે આ કેસની તપાસ કરી રહેલા જસ્ટિસ અરુણ મિશ્રા આ કેસને આવી રીતે રજૂ કરવામાં આવતા દુઃખી થયા છે. ચારેય ન્યાયાધીશોએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કાર્યશૈલી અને કેસની વહેંચણીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.
આ કેસ મંગળવારે જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચ સામે રાખવામાં આવ્યો હતો. જોકે, જસ્ટિસ મિશ્રાએ તેની સુનાવણી એક અઠવાડિયા માટે ટાળી દીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર