ન્યૂઝ18 ગુજરાતી: અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર મામલામાં ધરપકડ કરાયેલા ક્રિશ્ચિયન જેમ્સ મિશેલનો એક પત્ર સામે આવ્યો છે જે અનેક પ્રકારના ખુલાસા કરે છે. આ પત્ર ફિનમેનિકા કંપનીના સીઈઓ જુગેપી ઓરસીને લખવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ સત્તાધારી પાર્ટીના ટોપ નેતૃત્વ દ્વારા તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પર દબાણ ઊભું કર્યું હતું. તેમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ડીલથી જોડાયેલી તમામ જાણકારી મિશેલને સંબંધિત મંત્રાલયોથી મળી રહી હતી.
28 ઓગસ્ટ 2009ના રોજ લખવામાં આવેલા આ પત્ર અનુસાર, મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ સાથે જોડાયેલી તમામ જાણકારી વડાપ્રધાન કાર્યાલય, રક્ષા મંત્રાલય સહિત સરકારના સિનિયર અધિકારીઓથી મળી રહી હતી, એટલું જ નહીં, તેને તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને તત્કાલીન અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલકાત વિશે પણ ખબર હતી.
આજતકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જુગેપી ઓરસીને લખેલા પત્રમાં મિશેલે દાવો કર્યો છે કે આ મુદ્દાને લઈને સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટીની જે બેઠક થવાની છે તેના વિશે તેને જાણકારી છે. આ મુદ્દે વડાપ્રધાન, જોઇન્ટ સેક્રેટરી અને ડિફેન્સ સેક્રેટરી વચ્ચે જ વાત ચાલી રહી છે તેના વિશે તેને પણ ખબર છે. આટલું જ નહીં તત્કાલીન રક્ષા મંત્રી તેમની ડીલના પક્ષમાં છે.
ઉલ્લેખનીય છે કે, લાંબા પ્રયાસો બાદ આ ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને યૂએઈથી પ્રત્યપિત કરી ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલને રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારથી તે સીબીઆઈની કસ્ટડીમાં છે.
નોંધનીય છે કે, 2012માં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલનું નામ અગસ્તા વેસ્ટલેન્ડના પક્ષમાં સોદો કરાવવા અને ભારતીય અધિકારીઓને અયોગ્ય રીતે લાભ પહોંચાડનારા 3 વચેટિયાઓમાંથી એક તરીકે સામે આવ્યો હતો. અન્ય બે વચેટિયાના નામ રાલ્ફ ગિડો હેસ્કે અને કાર્લો ગેરોસા છે. આ સમગ્ર સોદો લગભગ 3,600 કરોડ રૂપિયાનો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર