નવી દિલ્હીઃ ભારત-ચીન (India-China border dispute) ની વચ્ચે લદાખ (Ladakh)ને લઈને વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actiual Control-LAC) પર હજુ સંઘર્ષ ભરેલી સ્થિતિ છે. ભારત સરહદી વિસ્તારોમાં ચીનની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ દરમિયાન LACની પાસે લદાખથી માત્ર 30-35 કિલોમીટર દૂર ચીની સેનાના ફાઇટર પ્લેનો (Chinese fighters flying)ને ઉડાન ભરતા જોવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, ચીનના ફાઇટર પ્લેનો હોટન અને ગરગાંસા ઠેકાણાઓથી લગભગ 100-150 કિલોમીટરના અંતરે તૈનાત છે.
ચીની સેનાની અવર-જવર પર નજર
ન્યૂઝ એજન્સીના સૂત્રોથી મળતી જાણકારી મળી છે કે ચીનના લદાખ સરહદની પાસે ચીની સેનાએ લગભગ 10-12 ફાઇટર પ્લેનો તૈનાત કર્યા છે અને આ તમામ ભારતીય ક્ષેત્રમાં ઉડાન ભરી રહ્યા છે. આ ફાઇટર પ્લેનો હોટન અને ગરગાંસામાં હવાઈ ઠેકાણાઓથી ઉડાન ભરી રહ્યા છે અને લદાખ ક્ષેત્રથી 30-35 કિલોમીટરના અંતરે છે. સૂત્રો અનુસાર ભારત આ ફાઇટર પ્લેનો જે-11 અને જે-7ની અવર-જવર પર કડક નજર રાખી રહ્યું છે.
હોટન બેઝ પર નજર કેમ છે?
સૂત્રો અનુસાર, ચીની સેના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર ભારતીય ક્ષેત્રોથી 10 કિલોમીટરથી વધુ અંતર પર છે. બેઝ પર ભારતીય સેનાની નજર એ કારણે પણ છે કારણ કે પાકિસ્તાની વાયુસેના પણ ત્યાં PLA વાયુસેનાની સાથે અભ્યાસ કરી રહી છે. નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં ચીન સાથે સંઘર્ષની સ્થિતિને જોતાં ભારતે પોતાના સુખોઈ-30 MKI ફાઇટર પ્લેનો તૈયાર કરી દીધા હતા.
સૂત્રોનું કહેવું છે કે, ચીન તરફથી કરવામાં આવી રહેલી તમામ ગતિવિધિઓ પર ભારત ઝીણવટાપૂર્વક નજર રાખી રહ્યું છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ ચીનની દરેક હરકત પર નજર રાખી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ગયા વર્ષે પણ ભારતે પાકિસ્તાની JF-17ની અવર-જવર પર નજર રાખી હતી. પાકિસ્તાની ફાઇટર પાક અધિકૃત કાશ્મીરમાં લદાખના પશ્ચિમ હિસ્સાની સામે સ્કાર્દૂ એરફીલ્ડથી ઉડાન ભરીને હોટન સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ અહીં એક શમીન-8 નામના એક અભ્યાસમાં ભાગ લીધો હતો.