બેઇજિંગ : ચીનના ઉદ્યોગપતિ ડૂ વિમિન અને તેની પત્ની યુઆન લિપિંગના છૂટાછેડાને એશિયાના સૌથી મોંઘા છૂટાછેડા માનવામાં આવે છે. ડૂ વિમિન દવા કંપની Shenzhen Kangtai Biological Productsના ચેરમને છે. ડૂએ તેની પત્નીને તેની કંપનીના લગભગ 16 કરોડ શેર આપ્યા છે, જેની બજાર કિંમત આશરે 24 હજાર કરોડ રૂપિયા થાય છે. આ તલાક પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ યુઆન લિપિંગ ચીનના ધનાઢ્ય લોકોમાં સામેલ થઈ ગઈ છે.
કેનેડાની નાગરિક છે યુઆન લિપિંગ
49 વર્ષીય યુઆન કેનેડાની નાગરિક છે અને ચીનના Shenzhenમાં રહે છે. યુઆન વર્ષ 2011થી 2018 દરમિયાન Shenzhen Kangtai Biological Productsની ડિરેક્ટર રહી ચુકી છે. હાલ તે Beijing Minhai Biotechnology Coમાં વાઇસ જનરલ મેનેજર પદ પર કામ કરી રહી છે. યુઆને બેઇજિંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે.

ડૂ વિમિન
કંપનીના શેરની કિંમતમાં ઉછાળો
નોંધનીય છે કે Kangtai કંપનીના શેરમાં ગત વર્ષે ખૂબ ઉછાળો આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી કંપનીના શેરની કિંમતમાં સતત ઉછાળો નોંધાયો છે, કંપનીએ જાહેરાત કરી હતી કે તે કોરોના વાયરસની વેક્સીન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
ડૂ વિમિનની અડધી સંપત્તિ જ રહી
આ તલાક પછી ડૂની સંપત્તિ ઘટીને અડધી થઈ ગઈ છે. 56 વર્ષીય ડૂનો જન્મ ચીનમાં ખેડૂત પરિવારમાં થયો હતો. કોલેજમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યા પછી તેણે 1987માં એક દવા કંપનીમાં કામ શરૂ કર્યું હતું. સેલ્સમાં રસ હોવાને કારણે 1985માં કંપનીમાં સેલ્સ મેનેજર બન્યા હતા. પછીથી તે પોતાની મહેનત પર સફળતાની સીડી ચડતા ગયા હતા. હાલ બાયોટેક્નોલોજી ક્ષેત્રમાં ડૂની કંપની ખૂબ જ પ્રસિદ્ધ છે.
ચીનમાં આ પહેલા પણ થયા હતા મોંઘા છૂટાછેડા
ડૂ એવા પ્રથમ ધનાઢ્ય નથી જેમણે છૂટાછેડા માટે મોટી રકમ ચૂકવવી પડી હોય. આ પહેલા ચીનમાં વર્ષ 2012માં વૂ યુજાન નામની ઉદ્યોગપતિએ પોતાના પતિને છૂટાછેડા બાદ 16 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા.
દક્ષિણ કોરિયામાં પણ આવો કિસ્સો
તલાકની પ્રક્રિયા મોંઘીની સાથે સાથે લાંબી પણ હોય છે. આવો જ એક કેસ દક્ષિણ કોરિયાના બિઝનેસ ટાયકૂન તાઈ-વોન સાથે થયો હતો. તેની પત્નીએ ગત ડિસેમ્બરમાં એક કેસ દાખલ કર્યો છે, અને કંપનીના 42 ટકા શેરમાં ભાગ માંગ્યો છે. જો આવું થશે તો તેણી કંપનીની બીજી સૌથી મોટી શેર હોલ્ડર બની જશે.
ભારત-ચીન વચ્ચે સરહદે તણાવ પર તમે શું માનો છે? પોલમાં ભાગ લો

જેફ બેઝોસ
દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા
દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા અમેઝોનના માલિક જેફ બઝોસ અને તેની પૂર્વ પત્ની મેકેન્જી બેઝોસ વચ્ચે થયા હતા. આ છૂટાછેડામાં જેફ બેઝોસે તેની પત્નીને વળતર તરીકે આશરે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ આપી હતી. આ તલાક બાદ મેકેન્જી દુનિયાની પાંચ સૌથી અમીર મહિલામાં સામેલ થઈ ગઈ હતી.