અમેરિકા વિશ્વમાં આર્થિક આતંકવાદ ફેલાવે છે: ચીનનો ગંભીર આક્ષેપ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (ફાઇલ ફોટો)

અમેરિકાએ ચીનની દિગ્ગજ કંપનીઓની પ્રોડક્ટ સામે આયાત વેરો લગાવ્યો તે પછી ફરીથી બંને દેશો વચ્ચે ટ્રેડ વોરનો મુદ્દો વધુ ઉગ્ર બની ગયો છે

 • Share this:
  અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે બંને દેશોના સંબંધોમાં તંગદિલી સર્જાઈ છે. આ સમયે ચીને અમેરિકા પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, અમેરિકા વિશ્વમાં આર્થિક આતંકવાદ ફેલાવી રહ્યું છે.

  જો કે, ચીને કહ્યું કે, ચીન અમેરિકાનો મક્કમતાથી સામનો કરશે.

  ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના સંદર્ભમાં ચીનના નાયબ વિદેશ મંત્રી ઝાંગ હનહૂઈએ પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકન વેપારીનીતિની આકરી ઝાટકણી કાઢી હતી. ચીનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ચીન અમેરિકાના આ વેપારી યુદ્ધની વિરૃદ્ધ છે.

  ચીન અમેરિકાને તાબે થશે નહીં અને લડત આપશે. અમેરિકા આર્થિક તાકાતથી વિશ્વમાં આર્થિક આતંકવાદ ફેલાવી રહ્યું છે અને આર્થિક આતંકવાદથી વિશ્વના કેટલાય રાષ્ટ્રોને ડરાવે છે, પરંતુ ચીન ડર્યા વગર અમેરિકાને જડબાતોડ જવાબ આપશે.

  ચીનના ઉપ વિદેશ મંત્રીએ અમેરિકાને આ યુદ્ધ અહીં જ અટકાવી દેવાની શિખામણ આપતા કહ્યું હતું કે આ ટ્રેડ વોરમાં કોઈ વિજેતા નહીં હોય. જો અમેરિકા એમ માનતું હોય કે તે ચીન ઉપર આકરી ડયુટી લગાવીને વેપારી યુદ્ધમાં જીતી જશે તો એ અમેરિકાની ભૂલ હશે. કારણ કે ચીને પણ અમેરિકન પ્રોડક્ટમાં કરવેરો લાદી દીધો છે અને આ યુદ્ધ ક્યારેય અટકવાનું નથી.

  અમેરિકાએ ચીનની દિગ્ગજ કંપનીઓની પ્રોડક્ટ સામે આયાત વેરો લગાવ્યો તે પછી ફરીથી બંને દેશો વચ્ચે ટ્રેડ વોરનો મુદ્દો વધુ ઉગ્ર બની ગયો છે. જવાબમાં ચીને પણ અમેરિકાની આયાતમાં ટેરિફ લગાવ્યો છે. આ બંને દેશોના ટ્રેડ વોરની અસર આખાય એશિયાના અર્થતંત્ર ઉપર થઈ રહી હોવાનો મત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો હતો.

  ટ્રેડ વોર શરૃ થયા પહેલાં ચીન અમેરિકાનું સૌથી મોટું ભાગીદાર હતું. ચીની ચીજ-વસ્તુઓનું અમેરિકામાં મોટું માર્કેટ છે અને આ ટેરિફ લાગ્યા પછી ચીનની નિકાસમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાએ ૫૦ અબજ ડોલરની ચીજવસ્તુઓ ઉપર ૨૫ ટકા અને ૨૦૦ અબજ ડોલરની ચીજવસ્તુઓ ઉપર ૧૦ ટકાનો વધુ ટેરિફ લગાવ્યો હતો.
  Published by:Vijaysinh Parmar
  First published: