લંડન. બાળકો પર કોરોના વાયરસની અસર અંગે ઘણી ધારણાઓ છે. અત્યાર સુધી બાળકો પર કોરોનાનો ખતરો ઓછો હોવાનું સામે આવ્યું છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર (Coronavirus Third Wave)માં બાળકો પ્રત્યે વધુ તકેદારી રાખવી જરૂરી છે. ત્યારે કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોમાં લાંબા સમય સુધી બીમારીના લક્ષણો ન રહેતા હોવાનું તાજેતરમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે.
અભ્યાસ અનુસાર, કોવિડ 19 (Covid-19)થી પીડાતા બાળકો સામાન્ય રીતે 6 દિવસમાં સાજા થઈ જાય છે. આ અભ્યાસમાં ભાગ લેનારા માત્ર 4.4 ટકા બાળકોમાં જ 4 અઠવાડિયાથી વધુ સમય સુધી લક્ષણો જોવા મળ્યા હતા. આ અભ્યાસ લેંસેટ ચાઈલ્ડ એડોલ્સેન્ટ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયો હતો. લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક એમા ડંકને કહ્યું હતું કે, કોરોના વાયરસના લાંબો સમય રહેતા લક્ષણોનો અનુભવ કરતા બાળકોની સંખ્યા ઓછી હોવાની બાબત રાહત આપે છે. કોરોનાના કારણે લાંબી બીમારીનો ભોગ ખૂબ ઓછા બાળકો બને છે.
આ અભ્યાસ બાળકો અને તેમના પરિવારોના અનુભવોની પુષ્ટિ કરે છે. સંશોધકોએ ZOE COVID સ્ટડી એપ દ્વારા ડેટા એકત્ર કર્યો હતો. જેમાં બ્રિટનમાં રહેતા 5થી 17 વર્ષના 2.5 લાખ બાળકોના ડેટાનો સમાવેશ કરાયો હતો. આ એપના માધ્યમથી બાળકોના માતા પિતા અથવા કાળજી રાખનાર અન્ય વાલીઓએ લક્ષણોની જાણકારી આપી હતી. સંશોધકોની ટીમે 2020ની 1લી સપ્ટેમ્બરથી 2021ની 22મી ફેબ્રુઆરીના વચ્ચેના ડેટાને ધ્યાનમાં લીધા હતા. આ દરમિયાન લગભગ 1734 બાળકોમાં કોરોના લક્ષણો જોવા મળ્યા હતા. લક્ષણો જોવા મળ્યા બાદ તેમના RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ બાળકો સાજા થઈ જાય ત્યાં સુધીના લક્ષણો પર નજર રાખવામાં આવી હતી.
જેના પરથી જાણવા મળ્યું કે, આ બાળકો સરેરાશ 6 દિવસ બીમાર હતા અને માંદગીના પહેલા અઠવાડિયામાં સરેરાશ ત્રણ લક્ષણો હતા. કોવિડ -19 બાળકોમાં હળવી બીમારી તરીકે સામે આવતો હોવાનું અને સામાન્ય રીતે તેમાંથી ઝડપથી સ્વસ્થ થઈ જતા હોવાનું આ અભ્યાસ પરથી ફલિત થયું હતું. અભ્યાસમાં મોટાભાગના બાળકો ચાર અઠવાડિયામાં સ્વસ્થ થઈ ગયા હતા. જ્યારે લાંબા સમયથી બીમાર રહેલા બાળકોમાં ચાર અઠવાડિયા બાદ માત્ર બે લક્ષણો જોવા મળ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર