રાયગઢ : NBFC કંપની સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્શિયલ લિમિટેડ છત્તીસગઢમાં મહિલા સમૂહોને લોન આપે છે. ત્યારે આ બેંકની સારનગઢ બ્રાંચનો ખજાનો એક ખેતરમાં દટાયેલો મળી આવ્યો છે. બેંક બ્રાંચમાંથી 8.23 લાખની ચોરી થયાની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે ફરિયાદ બાદના ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરીને માતબર રકમ રિકવર કરવાનો દાવો કર્યો છે.
પોલીસનો દાવો છે કે, આરોપી બીજું કોઈ નહીં પણ બ્રાન્ચનો ફિલ્ડ ઓફિસર જ હતો, જેણે બ્રાન્ચની પાછળના મેદાનમાં ચોરી કરીને લાખો રૂપિયા છુપાવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.
શું છે આખી ઘટના?
સારનગઢ વિસ્તારના ટિમરલાગા સ્થિત સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્સિયલ લિમિટેડની બ્રાંચમાંથી 8.23 લાખની ચોરી થઈ હતી. ઝોનલ મેનેજર ગૌરવ જૈને સારનગઢ પોલીસ સ્ટેશનમાં ઘટનાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની શાખા ચંદ્રપુર ટિમરલગામાં આવેલ છે, જે ભારતીય રિઝર્વ બેંકમાં રજિસ્ટર્ડ છે. બેંક બ્રાંચમાંથી મહિલાઓને ગ્રુપ લોન ફાઇનાન્સ કરવામાં આવે છે અને મન્થલી રિકવરી કરવામાં આવે છે.
9મી મેના રોજ સવારે લગભગ 10:20 વાગે તેમને રિજિનિયલ મેનેજર રૂપેશ કુમાર સાહુએ જણાવ્યું કે તેઓ સવારે ખેતરેથી પાછા આવ્યા ત્યારે શાળાના દરવાજાના તમામ તાળા ખુલ્લાં હતા અને જે રૂમમાં 8મેના રોજ બેગની અંદર બેલેન્સ રોકડ રૂ. 8 લાખ 23030 રાખવામાં આવી હતી, તે પણ ગુમ છે.
ચોરીની ફરિયાદ અંગે તપાસનો ધમધમાટ
ચોરીની ફરિયાદ બાદ સારનગઢ પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું અને બ્રાન્ચ મેનેજર, ફિલ્ડ ઓફિસર અને અન્ય સ્ટાફની કડકાઈથી પૂછપરછ કરી હતી. બનાવની તારીખે બહારગામથી બ્રાન્ચમાં આવેલા લોકોની માહિતી લેવામાં આવી હતી. પોલીસને તમામ પુરાવા ચોરીમાં બ્રાન્ચના જ કેટલાક સ્ટાફની સંડોવણી તરફ આંગળી ચીંધતા હતા.
ત્યારબાદ સ્ટેશન ઈન્ચાર્જ દ્વારા તમામ સ્ટાફની આખા દિવસની ગતિવિધિઓની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે, બ્રાન્ચમાં જ ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરતા સુનીલ કુમાર લાંબી રજા બાદ કામ પર જોડાયા હતા, જે ઓફિસ પછી બિલાસપુર ગયા હતા.
સુનીલ અચાનક બિલાસપુર જવા નીકળ્યો ત્યારે પોલીસ અને તેના સાથી કર્મચારીઓને પણ શંકા ગઈ હતી. સ્ટેશન ઈન્ચાર્જના કહેવા પર સુનિલને કંપનીના સ્ટાફે બ્રાન્ચમાં આવવાનું કહ્યું તો તેણે સમય લાગશે તેમ કહીને વાત ટાળવાનું શરૂ કર્યું હતું. સ્ટેશન ઈન્ચાર્જ વિવેક પાટલે દ્વારા સુનીલને બિલાસપુરથી લાવવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી. સુનીલને બિલાસપુરથી લાવીને તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી.
જેમાં તેણે વધારે પૈસા જોઈને લોભ-લાલચમાં આવીને ચોરી કર્યાની કબૂલાત કરી હતી. સુનિલે જણાવ્યું કે, આ પૈસા પ્લાસ્ટિકમાં ભરીને કપડાની થેલીમાં મૂકીને ઓફિસની પાછળના ખેતરમાં બેગ સાથે દાટી દીધા હતા. જે પોલીસે ખેતરમાં ખોદકામ કરીને કબજે કરી લીધા છે. આરોપીની કલમ 454, 380 આઈપીસી હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને જ્યુડિશિયલ રિમાન્ડ પર જેલમાં મોકલવામાં આવ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર