ચેતન ભગતે કહ્યુ- 'હોર્સ ટ્રેડિંગ એક આર્ટ છે, નૈતિકતાના પાઠ બંધ કરો'

ચેતન ભગત (ફાઇલ તસવીર)

 • Share this:
  કર્ણાટકમાં સત્તા માટે ચાલી રહેલી રેસમાં કોંગ્રેસ અને જેડીએસએ બીજેપી પર પોતાના ધારાસભ્યની ખરીદીના પ્રયાસનો આક્ષેપ લગાવ્યો છે. તો અંગ્રેજી નવલકથાકાર ચેતન ભગતે ધારાસભ્યોના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ)ને એક કળા ગણાવી છે.

  ચેતન ભગતે ટ્વિટ કર્યું કે, 'ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં કોઈ નૈતિક રસ્તો બાકી નથી રહેતો. બંને પક્ષો હવે નૈતિકતા શીખવવાનું બંધ કરે. આ ફોગટની કવાયત છે. હોર્સ ટ્રેડિંગ પણ એક કળા છે. બીજેપી અને કોંગ્રેસ માટે ફરી એક પરીક્ષા. જોઈએ કોણ વધારે સારું નીકળે છે.'

  બીજી તરફ કુમારસ્વામીએ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે જેડીએસના ધારાસભ્યોને ખરીદવા માટે બીજેપી તરફથી રૂ. 100-100 કરોડની ઓફર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી કાળા નાણા પર પ્રહારની વાત કરે છે અને તેની જ પાર્ટી અમારા ધારાસભ્યોને રૂ. 100 કરોડ તેમજ કેબિનેટ પદની લાલચ આપીને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ રૂ. 100 કરોડ કાળું નાણું હશે કે પછી સફેદ? તેમની પાસે ધારાસભ્યોને આપવા માટે પૈસા છે, પરંતુ લોકોને આપેલા વચન પ્રમાણે આપવા માટે રૂ. 15 લાખ નથી.'

  જોકે, બીજેપી તરફથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કુમારસ્વામીના આક્ષેપોને ફક્ત 'હવાઇ વાતો' કહીને રદ કરી નાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'બીજેપી ધારાસભ્યોના ખરીદ-વેચાણમાં નથી માનતી. કોંગ્રેસ અને જેડીએસ  રઘવાયા થયા છે, જેઓ રૂ. 100 અને રૂ. 200 કરોડ રૂપિયાની વાત ઉપજાવી રહ્યા છે.'
  First published: