શું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકો ફરી એકવાર લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધી શકશે? શું લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે કોઈ ડેડ લાઇન છે? આ એ સવાલો છે જેના જવાબની સમગ્ર દુનિયા રાહ જોઈ રહી છે. ચંદ્રયાન-2 (Chandrayaan-2)ના લેન્ડરથી રવિવારે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદથી અત્યાર સુધી પાંચ દિવસ પસાર થઈ ગયા છે. પરંતુ હજુ સુધી ચંદ્રની સપાટીથી કોઈ સારા સમાચાર નથી આવ્યા.
માત્ર 10 દિવસ બાકી
ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. પરંતુ આ મિશનને પૂરું કરવા માટે તેમની પાસે માત્ર 10 દિવસનો સમય બચ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી જ તેઓ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ત્યારબાદ લૂનર નાઇટની શરૂઆત થઈ જશે. જ્યાં સ્થિતિ બિલકુલ બદલાઈ જશે. 14 દિવસ સુધી જ વિક્રમને સૂરજનો પ્રકાશ મળશે. નોંધનીય છે કે, લેન્ડર અને રોવરને પણ માત્ર 14 દિવસ સુધી કામ કરવાનું હતું.
ચંદ્રની સપાટી પર ઠંડી ખૂબ જ ખતરનાક હોય છે. ખાસ કરીને સાઉથ પોલમાં તો તાપમાન માઇનસ 200 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. લેન્ડર વિક્રમે પણ સાઉથ પોલમાં જ લેન્ડ કર્યુ છે. ચંદ્રનો એવો વિસ્તાર જ્યાં અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચી શક્યો.
કર્ણાટકના ગામથી કરવામાં આવી રહ્યો છે સંપર્ક
વિક્રમ સાથે સંપર્ક કરવા માટે ઇસરો કર્ણાટકના એક ગામ બયાલાલુથી 32 મીટરના એન્ટિનાનો ઉપયોગ કરી રહ્યું છે. ઇસરો સ્પેસ નેટવર્ક સેન્ટર બેંગલુરુમાં છે. ઇસરો પ્રયાસ કરી રહ્યું છે કે ઓર્બિટરના માધ્યમથી સંપર્ક કરી શકાય. ખાસ વાત એ છે કે લેન્ડરને કોઈ નથી પહોંચ્યું. એટલે તેમાં કોઈ પણ નુકસાન નથી થયું. ઇસરો લેન્ડરની સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવાના શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.