ખમતીધર પૂર્વ સાંસદોના પેન્શન બંધ થવા જોઈએ: કોંગ્રેસના સાંસદે સરકાર પાસે કરી માગ
ભારતીય સંસદ
નાણામંત્રીને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ ધાનોરકરે જણાવ્યું કે, લોકસભા અને રાજ્યસભામાં કુલ 4796 પૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે. આ પૂર્વ સાંસદોને પેન્શન આપવા માટે દર વર્ષે લગભગ 70 કરોડ રૂપિયા ખર્ચ થાય છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી કોંગ્રેસના લોકસભા સાંસદ સુરેશ ઉર્ફ બાલૂ ધાનોરકરે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. ગુરુવારે લખવામાં આવેલ આ પત્રમાં કોંગ્રેસના સાંસદે માગ કરી છે કે, આર્થિક રીતે સમૃદ્ધ અને ખમતીધર સાંસદોના પેન્શન રોકવામાં આવે.
નાણામંત્રીને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ ધાનોરકરે જણાવ્યું કે, લોકસભા અને રાજ્યસભામાં કુલ 4796 પૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે. આ પૂર્વ સાંસદોને પેન્શન આપવા માટે દર વર્ષે લગભગ 70 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. તેમણે કહ્યું કે, લગભગ 300 જેટલા પૂર્વ સાંસદો પર નભતા પરિવારોને પણ નાણાકીય લાભ મળે છે.
પોતાના પત્રમાં ધાનોરકરે જણાવ્યું કે, કેન્દ્ર દ્વારા નાણા પોષિત પેન્શન મેળવનારામાં ઉદ્યોગપતિ રાહુલ બજાજ (2022માં નિધન થઈ ગયું), સંજય ડાલમિયા, માયાવતી, સીતારામ યેચૂરી, મણિશંકર અય્યર અને અભિનેત્રી રેખા અને ચિરંજીવ જેવા મુખ્ય રાજનેતાઓ સામેલ છે. આ ઉપરાંત કેટલાય જાણીતા અને આર્થિક રીતે સંપન્ન પૂર્વ સાંસદો પણ તેનો લાભ ઉઠાવી રહ્યા છે.
તેમણે માગ કરતા કહ્યું કે, આવા પૂર્વ સાંસદો જે 30 ટકાથી વધારે આવક સ્લેબમાં આવે છે, તેમને આ નાણાકીય લાભ ન મળવો જોઈએ. તેમણે નાણામંત્રીને આગ્રહ કર્યો કે, આવા પૂર્વ સાંસદોના પેન્શન બંધ કરી દેવા જોઈએ. પત્રમાં ધનોરકરે એવું પણ કહ્યું કે, મને પુરો વિશ્વાસ છે કે, દેશ સાથે પ્રેમ કરનારા કોઈ પણ પૂર્વ સાંસદ તેનો વિરોધ નહીં કરે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર