ન્યૂઝ 18 ગુજરાતી: આંધ્રપ્રદેશના ચિફ મિનિસ્ટર ચંદ્રબાબુ નાયડુ પર હુમલો કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે વારંવાર પાટલી બદલતા ચંદ્રાબાબુ માટે NDAના બારણા હવે કાયમ માટે બંધ થઈ ગયા છે. સત્તામાં પરત ફરવાનો વિશ્વાસ ધરાવતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે એનડીએ સત્તામાં આવ્યા બાદ ચંદ્રાબાબુ ફરી એનડીએમાં સામેલ થવાનો પ્રયાસ કરશે.
આંધ્રપ્રદેશ ભાજપના કાર્યકરોને સંબોધતા શાહે જણાવ્યું, “ હું આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના પલાસા ગામમાં કાર્યકરોને વિશ્વાસ અપાવા માંગુ છું કે પાટલી બદલું ચંદ્રાબાબુ માટે એનડીએના દરવાજા કાયમી માટે બંધ થઈ ગયા છે. હવે તેમને ગઠબંધનમાં સ્થાન અપાશે નહીં.”
નાયડુની રાજનૈતિક સફરને વર્ણવતા અમિત શાહે જણાવ્યું, “ચંદ્રાબાબુએ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ સત્તા માટે તેઓ TDPમાં જોડાઈ ગયા હતા. જેમણે પક્ષની સ્થાપના કરી તેને સાઇડમાં મૂકીને ચંદ્રાબાબુએ સત્તા માટે 10 વર્ષથી વલખાં મારી રહ્યા હતા, જ્યારે તેમને સમજાયું કે તેમના એકલાથી સત્તા હાસલ નહીં થાય ત્યારે તેમણે NDAનો હાથ પકડ્યો હતો. હવે ફરીથી તેમણે NDA સાથે છેડો ફાડ્યો છે અને નવી પાટલીએ બેઠા છે.”
કેન્દ્ર દ્વારા આંધ્રપ્રદેશને થતા અન્યાય અંગે અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા આંધ્રપ્રદેશને પાછલા પાંચ વર્ષમાં 5.56 લાખ કરોડ આપવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ સરકારે 10 વર્ષમાં માત્ર 1.17 લાખ કરોડ આપ્યા હતા. ભાજપ સરકારે વર્ષ 2014માં આંધ્રપ્રદેશને આપેલા 14માંથી 10 વચનો પુરા કર્યા છે.
અમિત શાહે ઉમેર્યુ હતું કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વિચારી શકે છે પરંતુ ચંદ્રાબાબુ નાયડુએ આજદિન સુધી તેના માટે અપીલ કરી નથી ન તો રાજ્યસરકાર તરફથી અહેવાલ મોકલ્યો છે. આ કાર્યક્રમ બાદ અમિત શાહે વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને અનકાપાલી અને અને અરાકુ લોકસભાના ભાજપા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.