નવી દિલ્હી : ભારતમાં વ્યક્તિ પગપાળા અથવા સાયકલથી રસ્તા પર જઈ રહ્યા હોય, ત્યારે વાહનચાલક તેને ટક્કર મારી ભાગી ગયા (Hit and Run) હોવાના કેસ અવારનવાર સામે આવે છે. દર વર્ષે હજારો લોકો આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આવા કિસ્સામાં ગુનેગારને પકડી શકાતો નથી. તેથી મૃતકોના પરિવારોને યોગ્ય મદદ પણ મળતી નથી. પણ હવે આવું નહીં થાય. સરકારે (central government)આવા માર્ગ અકસ્માતમાં (Accident)મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વધુ વળતર આપવાની દરખાસ્ત કરી છે.
કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન અકસ્માતમાં મોતના કેસમાં વળતરની રકમ રૂ. 25,000થી વધારીને 2 લાખ કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે જ માર્ગ પરિવહન મંત્રાલયે હિટ એન્ડ રન અકસ્માતમાં પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજનાની દરખાસ્ત કરી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાની દરખાસ્ત થઈ છે.
અત્યારે કેટલું વળતર મળે છે?
મંત્રાલયે હિટ એન્ડ રન અકસ્માતમાં પીડિતોના વળતર માટે યોજનામાં ફેરફાર કરવાની જરૂર હોવાનું કહ્યું હતું. ગંભીર ઈજા માટે રૂ. 12,500ના સ્થાને રૂ. 50,000 અને મૃત્યુ માટે રૂ. 25,000ના સ્થાને રૂ. 2,00,000 જેટલી રકમ અપાશે. આ યોજના 1989માં બનેલી વળતર યોજનાની જગ્યાએ અમલમાં મુકાશે.
માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં 2019 દરમિયાન હિટ એન્ડ રન અકસ્માતમાં 536 લોકો મોતને ભેટ્યા હતા અને 1655 લોકો ઘાયલ થયા હતા. અત્યારે મંત્રાલય દ્વારા દરખાસ્તમાં મુકાયેલી યોજના માટે સ્ટેકહોલ્ડર પાસે સૂચનો પણ મંગાવ્યા છે. જે 30 દિવસમાં આપવાના રહેશે. સત્તાવાર આંકડા કહે છે કે, 2019 દરમિયાન દેશમાં કુલ 4.49 લાખ માર્ગ અકસ્માતમાં 1.51 લાખથી વધુ લોકોના મોત થયા હતા. મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ બનાવાશે
કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ બનાવશે. જેનો ઉપયોગ હિટ એન્ડ રન કેસમાં વળતર અને પીડિતની સારવાર માટે થશે. આ ઉપરાંત ડ્રાફ્ટ સ્કીમ હેઠળ ક્લેમના ઝડપી સમાધાન માટે મંત્રાલયે માર્ગ અકસ્માતની વિસ્તૃત તપાસ, અકસ્માતનો વિગતવાર રિપોર્ટ અને તેના રિપોર્ટિંગ સાથે સમયમર્યાદામાં પ્રક્રિયાની દરખાસ્ત મૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર