કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી શુક્રવારે પોતાના સંસદીય વિસ્તાર બરેલીના બહેડી વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પુરવઠા ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પ્રતિનિધિઓને ખૂબ લતાડ્યા હતા. મેનકા ગાંધી એક પુરવઠા ઇન્સ્પેક્ટર પર ખૂબ ગુસ્સે ભરાયા હતા.
મેનકા ગાંધીએ પુરવઠા ઇન્સ્પેક્ટરને કહ્યું હતું કે, 'તું તગડો થઈ રહ્યો છે, આનાથી વધારે તારી કોઈ આબરુ નથી. તુ ખૂબ જ ખરાબ માણસ છે. તારી આવકથી વધારે સંપત્તિની તપાસ કરાવીશ.'
હકીકતમાં મેનકા ગાંધી પીલીભીત લોકસભા ક્ષેત્રમાં બરેલીના બહેડી વિધાનસભા પહોચ્યા હતા. અહીં તેમણે આ વિસ્તારના વિકાસના કામની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન તેમને રેશનિંગના દુકાનદારો અને પુરવઠા ઇન્સપેક્ટરની ખૂબ ફરિયાદ મળી હતી. પોતાના સંસદીય વિસ્તારમાં લોકોની મુશ્કેલીઓ અંગે સાંભળીને મેનકા ગાંધી ગુસ્સે ભરાયા હતા. અસંખ્ય વિધવા મહિલાઓએ પણ તેમની સામે ફરિયાદ કરી હતી. ફરિયાદ કરનારાઓએ કહ્યું હતું કે તેમના ઘરે ખાવાનું પણ નથી. ભૂખમરાનો વારો આવ્યો છે. આનાથી પરેશાન થઈને અધિકારીઓના ક્લાસ લીધા હતા.
પુરવઠા વિભાગની ફરિયાદ સામે આવતા જ તેમણે પુરવઠા ઇન્સપેક્ટરને કહ્યું કે, 'તને શું લાગે છે, તું આમાથી છટકી જઈશ?' તને અહીં આવ્યાને છ મહિના થયા છે, પરંતુ અત્યાર સુધી રસ્તાઓની હાલત સરખી નથી થઈ શકી. મને બરેલીમાં ફક્ત ત્રણ વસ્તુ (વીજળી, રસ્તા અને શૌચાલય) જોઈએ છે. તમારા લોકોથી આ ત્રણ કામો પણ સરખી રીતે નથી થઈ રહ્યા. જો આમાં કોઈ બેદરકારી કરી છે તો તમારી ખેર નથી.'
તમને જણાવી દઈએ કે, મિટિંગમાં મોડા આવવા બદલ કેન્દ્રીય મંત્રીએ ડીપીઆરઓનો પણ ક્લાસ લીધો હતો. શૌચાલય નિર્માણની સ્થિતિ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 20,288 શૌચાલયને મંજૂરી મળી છે. જ્યારે 7,545 માટે રકમ ફાળવી દેવામાં આવી છે અને તેમાંથી 3,800 શૌચાલય બની ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર